ખંભાળિયાના રાજકીય અગ્રણી તેમજ મહિલા કોર્પોરેટરના પતિ નાથુભાઈ ગઢવીએ શનિવારે મધ્યરાત્રીના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ખંભાળિયાના લડાયક રાજકીય આગેવાન મનાતા ગઢવી નાથુભાઈ માણસીભાઈ વાનરીયા(ઉ.વ.૪૬)એ શનિવારે રાત્રિના સમયે તેમના અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં વાણીયાવાડી ખાતેના રહેણાંક મકાનમાં શનિવારે રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે લૂંગી પડે પંખાના હુકમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવા અંગેની જાણ મૃતકના ધર્મપત્ની સોનલબેન નાથુભાઈ વાનરીયાએ અહીંની પોલીસને કરી છે. મૂળ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા નાથુભાઈ ગઢવી ખંભાળિયા નગરપાલિકામાં ઘણા વર્ષો થયા સક્રિય હતા અને આ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત રહેતા હતા. આર્થિક રીતે સંપન્ન નાથુભાઈ ગઢવી તેમજ તેમના ધર્મપત્ની પણ અગાઉ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. આ વચ્ચે કરુણ બાબતો એ છે કે ગત તા. ૫ જુલાઈના રોજ તેમનો જન્મદિવસ હોવાથી ઉજવણી પણ કરવામાં આવી હતી. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જાણીતા ગઢવી અગ્રણી નાથુભાઈના અકાળે આપઘાતના આ બનાવ અંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ કણજારીયા, વિગેરેએ શોક વ્યક્ત કરી, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.