બીજા દિવસે પણ કોડીનાર શહેર અને તાલુકામાં તંત્રનું બુલડોઝર ફર્યું : શહેરના મુખ્ય માર્ગ અને ફૂટપાથ ઉપર અડચણ રૂપ છાપરા, ઓટલા સહિતના દબાણો દુર કરાયા : દબાણ હટાવ કામગીરી વચ્ચે વાતાવરણ તંગ બન્યું કોડીનાર મામલતદારે ૮ લોકો સહિત ૨૦૦નાં ટોળા સામે ફરિયાદ નોંધાવી
ગીરસોમનાથના કોડીનાર શહેરમાં જિલ્લા કલેકટરની વિઝિટ બાદ છેલ્લા બે દિવસથી તંત્રનું બુલડોઝર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરના ઓટલાઓ અને છાપરા અને ગ્રામ્ય વિસ્તારોની સરકારી અને ગૌચરની જમીન ઉપરની પેશકદમી અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે તંત્રની સ્વૈચ્છિક દબાણો દૂર કરવાની અપીલને લઈ કોડીનારમાં ભાજપ કાર્યાલયે સ્વૈચ્છાએ ઓફિસના પગથીયા દૂર કરવાની કામગીરી ચાલું હતી. તે દરમ્યાન પાણી દરવાજા ખાતે વાતાવરણ તંગ બનતા કોડીનાર મામલતદારે ૮ વ્યક્તિ સહિત ૨૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી છે. ગીર-સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જેમકે વેરાવળ, તાલાળા, ગીર ગઢડા સુત્રાપાડા સહિત વિસ્તારોમાં ગેરકાયદેસર જે પણ દબાણો હતા તેમને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ખાસ તો ગિર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર માર્ગો તેમજ ગૌચરની જે કોઈપણ જમીનો છે તેમના ઉપર કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટરની કામગીરી ને અનેક લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે તંત્રની અપીલને ધ્યાને લઈ કોડીનાર વિસ્તારમાં પણ લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી રહ્યા છે ત્યારે કોડીનાર ભારતીય જનતા પાર્ટીની પાણી દરવાજા ખાતે આવેલી ઓફિસ ખાતેની આગળના પગથિયા અને ગાર્ડનને સ્વૈચ્છિક રીતે દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના નિહાળવા એકઠા થયેલા લોકો પૈકી ટોળા સામસામે આવી જતા તેમા વાતાવરણ તંગ થયું હતું અને મામલો બીચક્યો હતો આ ઘટના અંગે ડિમોલેશન કાર્યવાહીમાં રહેલા કોડીનારના મામલતદારે ટોળા સ્વરૂપે સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવા બદલ મહેશ મકવાણા, હરેશ દમણીયા, રમેશ ચુડાસમા મહેશ કામળિયા, રફીક સુલેમાન સેલોત, મહેબૂબ તલવાર મુકેશભાઈ કામળિયા અને મુનાફ બકાલી સહિત ૨૦૦ લોકોના ટોળા સામે લેખીત ફરીયાદ આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિત-૨૦૨૩ની ક્લમ-૨૨૧, ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૨૬(૨) મુજબનો ગુન્હો નોંધી તમામ ૮ આરોપીઓ ની ધરપકડ કરી છે. જયારે જે ગુનાની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ.ચાવડા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે એકઠા થયેલા ટોળામાંથી એક ટોળું કોડીનાર ચેમ્બરના પ્રમુખની દુકાન તરફ પણ ઘસી ગયું હતું અને ત્યાં પણ કોઈ માથાકૂટ થયાનું અને તેમાં ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિઠલાણી અને તેમના પુત્રને પણ ઈજા થઈ છે જેઓએ પણ આ ટોળા સામે ફરિયાદ અરજી આપેલ છે. તો આ પકડાયેલા શખસોપૈકી મહેશભાઈ મકવાણા એ પણ કોડીનાર પોલીસમાં એક ફરિયાદ અરજી આપી છે જેમાં બે દિવસ પહેલા જીગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય એ જિલ્લા કલેકટરને એક પત્ર લખી જણાવ્યું હતું કે કોડીનારમાં ડિમોલિશનની કામગીરીમાં નાના દુકાનદારોને હેરાન કરાય છે ત્યારે પ્રથમ માજી સાંસદે તેમની ઓફિસ સામે કરેલા ઓટલાનું દબાણ દૂર કરવામાં આવે પછી જ બાકીની આગળની કાર્યવાહી હાથ ધરાય એ પત્ર અનુસંધાને સવારે માજી સાંસદની ઓફિસ સામે સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યું હતું ત્યારે ડેપ્યુટી કલેક્ટર ની સૂચનાથી ઉપસ્થિત રહેલા મહેશભાઈ મકવાણા અને તેમના ટેકેદારો સ્થળ ઉપર હાજર હતા જેમના ઉપર કોઈ એ કાકરી ચાળો કરતા આ વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારે મહેશભાઈ મકવાણા પણ કેટલાક લોકો સામે ફરિયાદ અરજી આપી છે. ત્યારે કોડીનારમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી અંગે લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.