ગાર્ડનમાં ૧૨ હજાર વૃક્ષોનું વાવેતર થશે જેમાં પ્રથમ વૃક્ષારોપણ પોતાના જન્મદિવસ નિમિતે જીલ્લા કલેકટર જાડેજા દ્વારા કરવામાં આવ્યું : ‘એક પેડ મા કે નામ’ કેમ્પઈન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
દેશભરમાં વૃક્ષારોપણને વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ માં અભિયાનની શરૂઆત કરાવી છે. ત્યારે આ અભિયાનમાં ગીર સોમનાથના જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જીલ્લો પણ સહભાગી બનવા આયોજન કરાયુ છે. જેમાં જીલ્લા સેવા સદન કચેરીના પટાંગણમાં જ ૫ હજાર ચોમી જેટલી વિશાળ જગ્યામાં મિયાંવાકી ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે જીલ્લા સેવા સદન ખાતે ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત ૧૨ હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. જીલ્લા સેવા સદનના પટાંગણમાં તૈયાર થનાર ગાર્ડનમાં પ્રથમ વૃક્ષારોપણ ગઈકાલે પોતાનો જન્મદિવસ હોવાથી ખુદ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ પરીવારજનો સાથે કર્યુ હતુ. આ કાર્યક્રમને સંબોધતા કલેકટર જાડેજાએ જણાવેલ કે, આપણે સૌ વૃક્ષોનું જતન કરીશું તો જ ભવિષ્યમાં આવનાર પેઢીને મીઠા ફળ મળશે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકીશું. સરકાર વૃક્ષારોપણ માટે અઢળક પ્રયત્નો કરી રહી છે ત્યારે આ પ્રયાસમાં પ્રજાજનોની ભાગીદારીથી જ ધાર્યુ પરિણામ મળી શકશે. આપણા જીલ્લાને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઈન અંતર્ગત ૨ હજાર અને આગાખાન એજન્સી ફોર હેબિટાટના સહયોગથી ૧૦ હજાર મળી કુલ ૧૨ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ વૃક્ષોનું જતન અને માવજત સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવશે. જીલ્લાની કચેરીના પટાંગણમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના સહયોગથી ૫ હજાર ચોરસ મીટર જગ્યાનો સદુપયોગ કરીને સુંદર મિયાંવાકી ગાર્ડન તૈયાર કરવામાં આવશે. આ તકે આગાખાન એજન્સીના મેનેજર અનિષભાઈ ભાભાણી અને સદભાવના ટ્રસ્ટના પ્રતિનિધિ વિમલભાઈને શાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં પ્રમુખ પલ્લવીબેન જાની, ડીડીઓ સ્નેહલ ભાપકર, અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જાેશી, જીએચસીએલ, ઈન્ડિયન રેયોનના પ્રતિનિધિઓ તેમજ વૃક્ષો દત્તક લેનાર નાગરિકો સહભાગી થયાં હતા.