પહેલા તબક્કામાં ૫૩ દિવ્યાંગ બાળકોને ‘દિવ્યાંગ પ્રમાણપત્ર’ આપવામાં આવ્યા
ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો માટે ‘દિવ્યાંગતા પ્રમાણપત્ર’ સરળતાથી નીકળી શકે તે માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કલેક્ટરએ દિવ્યાંગ બાળકો તેમજ વાલીઓ સાથે વાત્સલ્યપૂર્ણ ભાવ સાથે ગોષ્ઠી કરીને શારીરિક ચકાસણી દરમ્યાન અન્ય કોઈ સારવારની આવશ્યકતા, થેરાપીની જરૂરીયાત અને નિયમિત ફોલોઅપ વિષયમાં પડતી કોઈપણ અગવડતાઓ અને મુશ્કેલીઓ હોય તો વાલીઓને નિઃસંકોચ સત્વરે સિવિલના સ્ટાફની મદદ લેવા માટે અનુરોધ કર્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્થ વિભાગના ડોકટરો દ્વારા દિવ્યાંગ બાળકોને જરૂરી શારીરિક તપાસ કરી, દિવ્યાંગ ટકાવારીની ખાત્રી કરાવી, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્થળ પર જ ઓનલાઈન પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવ્યા હતા. જીલ્લાની શાળાઓમાં આચાર્ય મારફતે ભણતા દિવ્યાંગ બાળકોની યાદી તૈયાર કરાવડાવી પહેલા તબક્કામાં કુલ-૫૩ દિવ્યાંગ બાળકોને ‘દિવ્યાંગ પ્રમાણપત્ર’ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જે-તે તાલુકાના વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓને સિવિલ હોસ્પિટલ, વેરાવળ ખાતે પહોંચાડવાની વાહન વ્યવસ્થા તેમજ દિવ્યાંગ બાળકો તથા ચા, નાસ્તા, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેકટરની મુલાકાત દરમ્યાન અધિક કલેકટર રાજેશ આલ, મુખ્ય આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય સહિત સિવિલ હોસ્પિટલ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.