માણાવદર નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી, ગાયત્રી મંદીરના આદ્ય સ્થાપક, ઉમદા સાહીત્યકાર અને લેખક એવા સ્વ. વિનોદ એન. જાેષીની ૨૬મી પુણ્યતીથી નિમિતે “શ્રધ્ધાંજલી સમારોહ”નું આયોજન

0

માણાવદર નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી, ઉમદા કવિ, લેખક, નવલકથાકાર, સંસ્કૃતી તથા સાંસ્કૃતિક પ્રવૃતિની ધરોહર એવા સ્વ. વિનોદ એન. જાેષી કે જેઓએ નગરપાલિકાના સેક્રેટરીપદે રહી શહેરના સર્વાંગી વિકાસના ઘણાં કાર્યો કરેલ હતા. તેઓ એક કુશળ વહીવટી અધિકારી ઉપરાંત ઉતમ સાહીત્યકાર અને લેખક પણ હતા. તેઓ દ્વારા રચીત સંગીતા, મધુરી મહેફીલ, અંતરની સરવાણી જેવા ગઝલ સંગ્રહો તેમજ કનકાવલી અને નયનતારા જેવી નવલકથાઓ સૌરાષ્ટ્રના નામાંકીત પ્રકાશનો દ્વારા પ્રસિધ્ધ થઈ ચુકેલ છે. આ ઉપરાંત સંગીત અને સાહીત્ય પ્રત્યેની તેઓની રૂચીને કારણે માણાવદર શહેરના ઘણાં કલાકારોને તેઓ દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવતા અને તેઓના જ પુત્ર વિજયભાઈ જાેષીની ગાયત્રી સંકીર્તન, સાયબા મારગ મેલ, મહાવીરમાલા, ગોપીઓનો કાન અને આછી આછી ઓઢણીના નામે ધણી ઓડીયો કેસેટસ અને સી.ડી. રીલીઝ થઇ ચુકેલ છે. જે તમામ કેસેટસ અને સી.ડી.ના ગીતોની રચના અને સ્વરાંકન પણ સ્વ.શ્રી વિનોદભાઈ દ્વારા કરવામાં આવેલ હતા. સ્વ.વિનોદભાઈ જાેષીએ નગરપાલિકાના સેક્રેટરીપદે રહી શહેરના વિકાસલક્ષી કાર્યોની સાથે લેખક તરીકેની તેઓની સર્જનયાત્રા નિરંતર ચાલુ રાખી ઘણાં ઉમદા સાહિત્યીક સર્જનોની સાહીત્યપ્રેમીઓને ભેટ આપવાની સાથે આધ્યાત્મીક ક્ષેત્રે પણ તેઓનું વિશેષ યોગદાન રહેલ છે. સ્વ.વિનોદભાઇ જાેષી દ્વારા સને-૧૯૭૮ માં “ માં ગાયત્રી “ નું મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવેલ અને “ ગાયત્રી પ્રજ્ઞાપીઠ “ નું નિર્માણ કરી સને-૧૯૮૬ માં ભવ્ય મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા કરી સંકલ્પ પૂર્ણ કરવામાં આવેલ. જે ભવ્ય મંદીર આજે પણ તેઓના સત્કાર્યોની સાક્ષી પુરે છે. આમ સ્વ. વિનોદભાઈ દ્વારા સામાજીક, ધાર્મીક અને સાહીત્ય ક્ષેત્રે કરવામાં આવેલ કાર્યોને લોકો આજે પણ યાદ કરે છે. આવા ઉમદા વ્યકિતનું તા.૨૯-૦૭-૧૯૯૮ ના રોજ અવસાન થતાં માણાવદર શહેરનો ખરો સીતારો ખરી પડેલ. દરવર્ષે તેઓની યાદમાં ભવ્ય “ સંગીત સમારોહ “ નું આયોજન કરવામાં આવે છે આ અંગે માણાવદરના ઈતિહાસકાર એવા મયુરભાઈ રાવલએ જણાવેલ કે, આગામી તા.૨૭-૦૭-૨૦૨૪ ના રોજ સ્વ. વિનોદરાય એન. જાેષીના માનમાં શ્રધ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર અને હાલારના આંતર રાષ્ટ્રીયા ખ્યાતિ પ્રાપ્ત કલાકારો મોરબીથી મકબુલ વાલેરા, વિસાવદરથી ગોવિંદ આહીર અને મનીષ રીબડીયા, જામનગરથી પુરોહીત, જૂનાગઢથી નફીસ ડોગરા, રાજકોટથી રાહુલ વાઘેલા તેમજ અરજણ બાલાસરા અને રમેશ જાેશી સહીતના સ્થાનિક કલા સાધકો ૨૭-૭-૨૦૨૪ની સુરીલી સાંજે કલાનું રસપાન કરાવી સ્વરાંજલી અર્પિત કરશે.

error: Content is protected !!