દેશમાં યોજાનારી ૨૧મી પશુધન વસ્તી ગણતરી માટે ગુજરાત અને રાજસ્થાનના નોડલ અધિકારીઓ માટે GIDM-ગાંધીનગર ખાતે પ્રાદેશિક તાલીમનું આયોજન

0

ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પશુધન વસ્તી ગણતરી માટેની સોફ્ટવેર તાલીમનો શુભારંભ કરાવ્યો : આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પશુધન વસતી ગણતરી હાથ ધરાશે : પશુધન વસતી ગણતરીમાં ગુજરાતની ૨૮ પશુ જાતોની ગણતરી કરાશે : ગુજરાતમાં ૪,૩૦૦થી વધુ સર્વેયર દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ ગણતરી કરશે

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર ૨૧મી પશુધન વસતી ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવનાર સોફ્ટવેર અંગે ગુજરાત અને રાજસ્થાનના નોડલ અધિકારીઓ માટે GIDM-ગાંધીનગર ખાતે પ્રાદેશિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આયોજિત આ કાર્યશાળાનો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો હતો અને નોડલ અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત જ્ર ૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ યોગદાન આપશે. ત્યારે પશુધન વસતી ગણતરીની અદ્યતન માહિતી અને આંકડા પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ, કાર્યક્રમો તથા કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્વના ર્નિણયો માટે મજબૂત આધારસ્તંભ તરીકે ઉપયોગી નીવડશે. રાઘવજી પટેલે પશુધન વસતી ગણતરીની ડિજિટલ પદ્ધતિના ફાયદાઓ વર્ણવતા ૨૧મી પશુધન વસતી ગણતરીમાં પાયાના સ્તરે રોકાયેલા તમામ ગણતરીદારોની વ્યાપક તાલીમ અને ક્ષમતા નિર્માણની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પશુધન વસતી ગણતરીમાં દેશભરની ૨૧૯ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે, જે પૈકી ગુજરાતમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ગાય, મહેસાણી અને જાફરાબાદી ભેંસ, ઊંટ, ઘેટા અને અન્ય પશુઓને મળી કુલ ૨૮ પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. સપ્ટેમ્બર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં આશરે ૪,૩૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ રાજ્યના દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ પશુધન વસતી ગણતરી હાથ ધરશે. મંત્રી પટેલે ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રના વિકાસ અંગે માહિત આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતના પશુપાલન ક્ષેત્રની કાયાપલટ થઇ છે. આજે ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદન, પશુ સારવાર, કૃત્રિમ બીજદાન જેવી અનેક બાબતોમાં દેશમાં મોખરે છે. ગુજરાતમાં આજે ૧૮,૦૦૦થી વધુ દૂધ મંડળીઓ કાર્યરત છે, જેમાં ૧૨ લાખથી વધુ મહિલાઓ સદસ્ય છે, જે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મંત્રીએ ગુજરાતમાં પશુ આરોગ્ય સેવાઓ વિશે જણાવ્યું હતું કે, પશુ સ્વસ્થ અને સારવાર માટે ગુજરાત દેશમાં અગ્રેસર છે. પશુઓને ઘર આંગણે આરોગ્ય સેવા પૂરી પાડવા ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના હેઠળ ૫૩૦૦ ગામોને આવરી લેતા કુલ ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાના કાર્યરત છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૧૨૭ જેટલા મોબાઈલ વેટરનરી યુનિટ પણ પશુ આરોગ્ય સેવા માટે કાર્યરત છે. કાર્યશાળાના શુભારંભ સમારોહમાં ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમારે ૨૧મી પશુધન વસતી ગણતરીના મહત્વ અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જ્યાં છેલ્લા ૧૦૦ વર્ષથી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી પશુધન વસતી ગણતરી માટે કુલ પાંચ રાજ્યમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયા હતા, જેમાં ગુજરાત રાજ્યની પણ પસંદગી કરવામાં આવી છે. જામનગરના જાેડીયા અને કાલાવડ તાલુકામાં સોફ્ટવેર અને મોબાઈલ એપના પરીક્ષણ માટેનો પાયલટ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર પશુપાલન અને ડેરી વિકાસ મંત્રાલયના સચિવ અલ્કા ઉપાધ્યાયે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ ઉપરાંત નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સના નિયામક ડો. બી.પી. મિશ્રા, ભારત સરકારના પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના સલાહકાર જગત હજારિકાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ગુજરાતના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ભારત સરકારના પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના નિયામક (અંકવિભાગ) વી.પી. સિંહે આભરવિધિ કરી હતી. આ કાર્યશાળાના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત અને રાજસ્થાન રાજ્યના પશુપાલન વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ ગુજરાત અને રાજસ્થાનના રાજ્ય-જિલ્લા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!