દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની કન્યા શાળાના આચાર્ય શંકરસિંહ બારીયાને તાજેતરમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા તથા કુબેર ડીંડોરની ખાસ ઉપસ્થિતિમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી ભાણવડ કન્યા શાળા ખાતે સ્થાનિક કક્ષાએ તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભાણવડ કન્યાશાળા તથા સરકારી અંગ્રેજી માધ્યમ શાળા બંને દ્વારા સંયુક્ત રીતે તેમના સ્ટાફના શંકરસિંહ બારીયાને મળેલા આ શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ બદલ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓની પણ ઉપસ્થિતિમાં પુસ્તક, ગ્રીન બોર્ડ, ચોક ડસ્ટરના આકાર-પ્રકાર સાથેની ખાસ કેક બનાવી કેક કટીંગ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં તેઓને ખાસ સ્મૃતિ ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. આચાર્ય શંકરસિંહ બારીયા દ્વારા બંને માધ્યમના સ્ટાફ તથા છાત્રોનો આભાર વ્યક્ત કરી શાળામાં રૂપિયા ૧૧,૧૧૧ નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શંકરસિંહે વર્ષ ૨૦૧૮ માં આ કન્યા શાળામાં શિક્ષક તરીકે જાેડાઈને અહીં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરતાં છાત્રાઓની સંખ્યા ૨૧૮ માંથી રેકોર્ડ રૂપ ૬૫૦ થઈ ગઈ હતી. આ શાળામાં દાતાઓના સહયોગથી સાડા ત્રણ વર્ષમાં શાળા માટે રૂપિયા ૨૬ લાખના સાધનો લોક ભાગીદારીથી વસાવવામાં આવ્યા છે.