તબીબી સેવા ક્ષેત્રે રાજકોટ એઇમ્સ પ્રગતિશીલ : ઓ.પી.ડી. ૩ લાખને પાર

0

૫૪૦૦ થી વધુ ઇમરજન્સી કેસ સાથે ૨૨૦૦ થી વધુ દર્દીઓની ઇન્ડોર સારવાર : રોજના ૮૦૦ થી ૧૦૦૦ જેટલા દર્દીઓને માત્ર રૂા.૧૦ની નજીવી કિંમતે નિદાન, ઇન્ડોર પેશન્ટની સર્જરી નિઃશુલ્ક : સીટી સ્કેન, અલ્ટ્રા સાઉન્ડ મશીન સહિતની સુવિધા શરૂ થતા ટૂંક સમયમાં આયુષ્માન ભારત સેવાનો લાભ શરૂ : દર્દીઓના નિદાનાર્થે ૨.૧૦ લાખ લેબ રિપોર્ટ, ૫૦૦ મેજર અને ૨૫૦ માઇનોર સર્જરી : એઇમ્સમાં બેટરી ઓપરેટડ કારમાં દર્દીઓને લાવવા-મુકવાની સુવિધા : મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મલ્ટી કનેક્ટિવિટી રોડ નિર્માણ, સિટી બસ સેવા ઉપલબ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપણાથી સૌરાષ્ટ્રમાં ઉત્કૃષ્ટ સારવાર દર્દીઓને નજીવા દરે પ્રાપ્ત થાય તે માટે રાજકોટને એઇમ્સની ભેટ આપી, જેનું ખાતમુહર્ત અને લોકાર્પણ પણ ખુદ વડાપ્રધાને કર્યું હતું. કોરોનાની વિપરિત પરિસ્થિતિમાં ચાર વર્ષમાં ખુબ જ ટૂંકા ગાળામાં એઇમ્સનું ૮૦ ટકા જેટલું નિર્માણ પૂર્ણ થવામાં છે. એઈમ્સના નિર્માણની સાથોસાથ લોકોને આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે માટે પ્રારંભથી જ ઓ.પી.ડી સેવા શરૂ કરી દેવામાં આવી હતી. જરૂરી બિલ્ડીંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ૨૫ મી ફેબ્રુઆરીએ એઇમ્સના લોકાર્પણ સાથે ૨૫૦ બેડની ઇન્ડોર સેવા શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં એઇમ્સ ખાતે ઉપલબ્ધ સેવાઓ સાથે આરોગ્યલક્ષી પ્રવૃતિઓની સેવાકીય ફલક પૂરૂ પાડતી આંકડાકીય માહિતી અત્રે એઈમ્સ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચ દ્વારા પુરી પાડવામાં આવી છે. ડિરેક્ટર કટોચે જણાવ્યું છે કે, રાજકોટ એઈમ્સમાં માત્ર એક વર્ષના ગાળામાં ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવેલો, જે અંતર્ગત હાલ સુધીમાં ૩,૦૫,૫૪૦ જેટલા દર્દીઓનું નિદાન હાથ ધરાયુ છે. જેમાં ૫,૪૭૪ જેટલા ઇમર્જન્સી કેસ સામેલ છે. ૨૫૦ બેડની ઇન્ડોર સેવાના પ્રારંભ સાથે આજ સુધીમાં ૨,૨૭૧ જેટલા દર્દીઓને ઇનહાઉસ સારવારનો લાભ મળ્યો છે. જેમાં દાખલ દર્દીઓ પૈકી હાડકા, આંખ, કાન, નાક, ગળા, ગાયનેક સહિતના વિભાગમાં ૫૦૦ જેટલા મેજર અને ૨૫૦ જેટલા માઇનોર ઓપરેશન્સ કરવામાં આવ્યા છે. આ માટે જરૂરી લેબ, એક્સ-રે સહિતના રિપોર્ટ અહીં કરી આપવામાં આવે છે. હાલ સુધીમાં ૨,૨૦,૧૨૩ લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવ્યા હોવાનું ડિરેક્ટરશ્રીએ જણાવ્યું છે. અહી લેબમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોવીડ, ઝીકા વાઇરસ, ઇન્ફ્લ્યુએન્ઝા રોગના રિપોર્ટ્‌સ, હીમેટોલોજી સંબંધી બ્લડ, યુરિન સંબંધિત ૫૦ થી વધુ રિપોર્ટ્‌સ કરી આપવામાં આવે છે. ક્લિનિકલ માઇક્રોબાાાયોલોજી અને ઇન્ફેક્શન સબંધી રોગો માટે ૪૦ થી વધુ રિપોર્ટ્‌સ સુવિધા ઉપલબ્ધ છે. અત્યાધુનિક એન્થ્રોપોલોજી લેબોરેટરીમાં કુપોષણ, ઓબેસીટી અને ગ્રોથ રીટાર્ડેશન જેવા રોગોના નિદાન, ફોરેન્સિક મેડીસીનની મદદથી લેબોરેટરીમાં અજાણ્યા અસ્થિઓમાં રહેલા રહસ્ચો ઉકેલી શકાશે. ફેફસાની કાર્યક્ષમતાનો ક્યાસ કાઢી આપતા મશીન “બોડી પ્લેથિસ્મોગ્રાફી” તેમજ ફેફસા અને હૃદયને લગતા રોગના નિદાન માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એઇમ્સ ખાતે ટ્રોમા અને ઇમરજન્સી વિભાગ, લેબ, એક્સ-રે, એમ.આર.આઈ. રેડિયોલોજી વિભાગ, ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ કાર્યરત છે અને અન્ય સેવાઓ સમયાંતરે શરૂ કરવા રાજકોટ એઇમ્સ આગળ વધી રહી હોવાનું ડો. કટોચે જણાવ્યું છે. એઇમ્સ ખાતે ગંભીર રોગના દર્દીઓને નિદાન તેમજ સારવાર માટે જરૂરી સીટી સ્કેન, અલ્ટ્રા સાઉન્ડ મશીન હાલ ઉપલબ્ધ બન્યા છે, જેનું ઈન્સ્ટોલેશન કામગીરી પૂર્ણ થતા આશરે બે માસના સમય ગાળામાં આયુષ્માન ભારત સેવાનો લાભ દર્દીઓને મળવાનો શરૂ થઈ જશે. અહીં ઓ.પી,ડી. સેવા માટે આવતા દર્દીઓને પાર્કિંગથી ક્લિનિક સુધી જવા માટે બે બેટરી ઓપોરેટેડ ગાડી ઉપલબ્ધ છે તેમજ ઇમર્જન્સી વિભાગમાં દર્દીઓને તેમના વાહનમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી હોવાનું શ્રી કટોચે જણાવ્યું છે. એઇમ્સ ખાતે ટેલી મેડિસિન સેવા, જનજાગૃતિ અર્થે આરોગ્ય અને સમાજસેવાલક્ષી પ્રવૃતિઓ પણ સમયાંતરે હાથ ધરવામાં આવે છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, વિશ્વ યોગ દિવસની ઉજવણી ,સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારના આયોજન વગેરેનો સમાવેશ થાય છે. હાલ એઇમ્સ મેડીકલ કોલેજમાં ૨૫૦ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી રહ્યા છે, ૩૦ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ જયારે બે વિદ્યાર્થીઓ સુપર સ્પેશિયલિસ્ટ અને ૪ વિદ્યાર્થીઓ ફેલોશીપ કરી રહ્યા છે. એઇમ્સ પહોંચવા માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મલ્ટી કનેક્ટિવિટી રોડનું નિર્માણ કરાયું છે, પરિવહન માટે સિટી બસ સેવા ઉપલબ્ધ છે. આગામી સમયમાં રેલ સુવિધા મળી રહે તે માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવનારા સમયમાં પૂર્ણ કક્ષાના નિર્માણ અને ઈન્સ્ટોલેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકોટ એઇમ્સ સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને સુપર સ્પેશિયાલિટી સારવાર આપવા કટિબદ્ધ હોવાનું ડિરેક્ટર કટોચ ગૌરવ સાથે જણાવે છે.

error: Content is protected !!