મંત્રી કુંવરજી બાવળીયા અને ભાનુબેન બાબરીયાના હસ્તે દેવડા ખાતે સૌની યોજનાના ડોન્ડી નદી સુધી પાઇપ લંબાવવાના કાર્યનું ખાતમુહૂર્ત

0

રાજકોટ તાલુકાના ૪૧ ગામોને પાણી પહોંચાડવા રૂા.૨૩૫ કરોડના ખર્ચે ત્રંબા ખાતે નવું પમ્પિંગ સ્ટેશન બનાવાશે : જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : સૌરાષ્ટ્રના ગામે ગામને સૌની યોજના મારફત સિંચાઈ તથા પીવાના પાણીનું જતન તથા સંચય કરવા માટે પ્રેરણા આપતા મંત્રી ભાનુબહેન બાબરીયા : સૌનીની લિંક-૩ના પેકેજ-૧૦માં દ્વારકાના છેવાડાના ત્રણ ડેમ વર્તુ, કબરકા તથા સોનમતીને જાેડવાનું પણ આયોજન

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે આણંદપર તથા દેવડા ગામ ખાતે સૌની યોજનાની લિંક-ત્રણના પેકેજ ૧૦ હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવાના રૂપિયા ૩.૪૮ કરોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોધિકા તાલુકાના દેવડા ગામના લેઉવા પટેલ સમાજ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે રૂા. ૩.૪૮ કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ૨૫૧૧ મીટરની ૫૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરી થતાં લોધિકા તાલુકાના છાપરા, દેવડા, મોટાવડા, પાંભર ઇટાળા, લક્ષ્મી ઇટાળા, પડધરી તાલુકાના નાનાવડા અને નાના ઇટાળા વિગેરે ગામોને લાભ થશે. મંત્રી કુંવરજીભાઈએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વે કરાવીને, સૌરાષ્ટ્રને હરિયાળો બનાવવાના ઉદ્દેશ્ય સાથે, વર્ષ ૨૦૧૩માં રૂપિયા ૧૦ હજાર કરોડથી વધુની રકમની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોને નર્મદાના નીરથી ભરવાનું આયોજન હતું. જેમાંથી ૧૧ જિલ્લાના ૯૯ જેટલા ડેમોમાં નર્મદાનીર પહોંચી ચુકયા છે અને બાકીના ડેમોને ભરવાની કામગીરી પણ ગતિમાં છે. મંત્રી કુંવરજીભાઈએ ઉમેર્યું હતું કે, લિંક-૩ના પેકેજ-૧૦માં દ્વારકાના છેવાડાના ત્રણ ડેમ વર્તુ, કબરકા તથા સોનમતીને જાેડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌની યોજના લિંક-૩ના પેકેજ-૧૦ના કામની શરૂઆત, લિંક-૩ પેકેજ-૭ને આગળ વધારીને થશે. પાઈપની પથરેખાની સાંકળ ૨૧૬.૦૫૩ કિ.મી.થી આ પાઇપલાઇન શરૂ થનારમાંથી પાણીનું વહન ગ્રેવીટી ફ્લોથી થનાર છે. આ પાઇપલાઇનની કુલ લંબાઇ કબરકા અને ડોન્ડીફીડર પાઇપલાઇન સાથે આશરે ૧૬,૩૯૩ મીટર છે તેમજ આ કામનો કુલ ખર્ચ આશરે રૂા.૩૨.૭૮ કરોડ થશે. તેનાથી વર્તુ જળાશય હેઠળના સાત ગામો, કબરકા જળાશય હેઠળના છ ગામો, સોનમતી જળાશય હેઠળના આઠ ગામો, ડોન્ડી જળાશય હેઠળના પાંચ ગામોને કામની પથરેખા ઉપર આવતા સાત ગામો મળી કુલ ૩૨ ગામોને લાભ થશે. સૌરાષ્ટ્રને જળ સમૃદ્ધ કરી દેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેલ્લા બે વર્ષમાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને મહત્તમ પાણી આપ્યું છે, તેનો ઉલ્લેખ કરતા મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાંથી પસાર થતી સૌની યોજનાની વિવિધ પાઇપલાઈનની આસપાસ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં જાે કોઈ ચેકડેમ કે જળાશય હશે તેને પણ આ પાઇપલાઇન સાથે જાેડીને પાણીથી ભરી દેવામાં આવશે. મંત્રી કુંવરજીભાઈએ રાજકોટના ત્રમ્બા ખાતે નવા પમ્પિંગ સ્ટેશનની યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજકોટ તાલુકાના ૪૧ ગામોને પાણી મળી રહે તે માટે રૂા.૨૩૫ કરોડના ખર્ચે ત્રંબા ખાતે નવું સ્ટેશન બનશે. ટૂંક સમયમાં જ આ યોજનાના કામો શરૂ થઈ જશે. મંત્રી કુંવરજીભાઈએ રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં થયેલા પાણી પુરવઠા તથા જળસંચય વિવિધ કામો તેમજ જૂથ પાણી પુરવઠા સુધારણા યોજનાની વિગતો પણ આપી હતી. અને સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ગામે ગામને સૌની યોજના મારફત સિંચાઈ તથા પીવાના પાણી પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સાકાર કરી રહી છે. આજે સૌની યોજનાના લીધે આપણા આંગણા સુધી નર્મદાના નીર પહોંચી રહ્યા છે. ત્યારે પાણીનું જતન તથા સંચય કરવા માટે પણ તેમણે ઉપસ્થિતોને પ્રેરણા આપી હતી. ગ્લોબલ વોર્મિંગના સમયમાં વધુ વૃક્ષો વાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત ધરતીને હરિયાળી બનાવવાના અભિયાનમાં જાેડાવા માટે મંત્રીરિ ભાનુબેને બધાને આહવાન કર્યું હતું. આ પ્રસંગે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ વરસાદી પાણીને ધરતીમાં ઉતારીને જળ સંગ્રહ કરવા અપીલ કરી હતી.

error: Content is protected !!