ચોથી ઓક્ટોબરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંગળ પ્રભાતે પોતાની પ્રાતઃ પૂજા કર્યા બાદ ધોરાજી તાલુકાના ઝાલણસર ગામ તથા પોરબંદર જિલ્લાનાં રાણાવાવ ગામનાં નવા બંધાયેલા હરિ મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. જૂનાગઢના આ ગ્રામ્ય વિસ્તારોમાં વિચરણ કરતા પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામીની હાજરીમાં સદગુરૂ સંત પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી અને વડીલ સંત પૂજ્ય ધર્મ ચરણસ્વામી દ્વારા આ મૂર્તિઓની પ્રાથમિક વેદોક્ત વિધિ કરાઈ હતી અને ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બંને ગામોની મૂર્તિઓની પ્રતિષ્ઠા પોતાના સ્વહસ્તે કરી હતી અને મૂર્તિઓની ભાવપૂર્વક આરતી ઉતારી હતી. આમ ઝાલણસર અને રાણાવાવ ગામના મંદિરો મળીને જૂનાગઢનાં બી.એ.પી.એસ શિખરબદ્ધ મંદિર નીચે ગ્રામ્ય ક્ષેત્રોમાં કુલ ૩૧ હરિમંદિરો તૈયાર થયા. આ સાયં કાર્યક્રમાં જૂનાગઢ શહેરના પુરુષ મહિલા તમામ હરિભક્તો માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં સમીપ દર્શનનો લાભ રખાયો હતો. જૂનાગઢ શહેરના તમામ હરિભક્તો માર્કીના સભા મંડપથી માંડીને બી.એ.પી.એસ વિદ્યામંદિરના પથ તથા મંદિરના સંપૂર્ણ પથની કોરે દર્શનાર્થે બેસી ગયા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાની કાચની કેબિન યુક્ત ગોલ્ફ કાર્ટમાં બિરાજમાન થઈને માર્કીના સભા મંડપથી લઈ છેક મંદિરના મુખ્ય પરિસર સુધી સૌ હરિભક્તો ઉપર દ્રષ્ટિપાત કરતા સ્મિત વદને ધીરે ધીરે પસાર થયા હતા. સૌ ઉપર આશીર્વાદ વરસાવ્યા હતા. ત્યારબાદ મંદિર પરિસરના મુખ્ય પથ પાસે મહા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. ઠાકોરજી સમક્ષ પોતાની ગોલ્ફ કાર્ટમાં બેઠા થકા જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મહા આરતી ઉતારી હતી. અસંખ્ય હરિભક્તો ભાવિકો વચ્ચે રાત્રિના આકાશમાં આતશબાજી કરીને મંદિરનું આકાશ વિવિધ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને એક અદ્ભુત દિવ્ય માહોલ પરમ પૂજ્ય મહંત સ્વામીના સાંનિધ્યમાં રચાઈ ગયો હતો.