‘નમઃ સ્પૃશ દિપ્તમ’ અર્થાત્ “ગૌરવ સાથે આકાશને સ્પર્શ કરો” – શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં ૧૧માં અધ્યાયમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને વિશ્વરૂપના દર્શન દરમિયાન આપવામાં આવેલ ઉપદેશનાં અંશને સૂત્ર બનાવી અદમ્ય સાહસ અને શૌર્ય થકી ગૌરવભેર આભની અટારીએથી ભારતવાસીઓનું રક્ષણ કરતી ભારતીય વાયુસેનાની બહાદુરીને સલામ કરવાનો દિવસ એટલે “ભારતીય વાયુસેના દિવસ”. દર વર્ષે ૦૮ ઓક્ટોબરનાં રોજ સમગ્ર દેશમાં ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જમીન પર લડતી સેનાને ટેકો આપવા માટે અવિરત કાર્યરત એરફોર્સ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવા માટે સમગ્ર દેશમાં વાયુસેના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી એરમેનની બહાદુરીને પણ સલામ કરવામાં આવે છે, કે જેઓ પોતાની અસીમ ક્ષમતા દ્વારા દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. આ વર્ષે દેશમાં ભારતીય વાયુસેના દિવસની ૯૨ મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વાયુસેના વિવિધ શહેરોમાં વાયુસેના દિવસની ઉજવણીનું આયોજન કરી રહી છે. ગયા વર્ષે આ કાર્યક્રમ પ્રયાગરાજમાં અને તેના એક વર્ષ પહેલા ચંદીગઢમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભારતીય વાયુસેના દ્વારા ૯૨મી વર્ષગાંઠ અન્વયે ૨૧ વર્ષમાં પ્રથમ વખત તમિલનાડુના ચેન્નાઈમાં મરિના એરફિલ્ડ ખાતે એર એડવેન્ચર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય વાયુસેનાના ૭૨ વિમાનો સુલુર, તંજાવુર, તાંબરમ, અરક્કોનમ અને બેંગલુરૂથી ઉડાન ભરી હતી. આ એર શોમાં ભારતનું ગૌરવ કહેવાતા સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ(ન્ઝ્રછ) તેજસની સાથે રાફેલ, સ્ૈય્-૨૯ અને જીેાર્રૈ-૩૦ સ્દ્ભૈં જેવા આધુનિક લડાકુ વિમાનોએ પણ ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો. આ એર શોને અત્યાર સુધીમાં સૌથી મોટા અને ભવ્ય પ્રદર્શનમાંના એક હોવાની સાથે સૌથી વધુ ૧૫ લાખ લોકોએ નિહાળ્યો હોવાથી “લિમ્કા બુક ઓફ રેકોડ્ર્સ” માં સામેલ કરવામાં આવ્યો હતો. વધુને વધુ લોકો દેશની હવાઈ ક્ષમતાના સાક્ષી બની શકે તે હેતુસર આ ભવ્યાતિભવ્ય આયોજન વાયુસેના દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “આર્ત્મનિભર ભારત”ની નેમને સાર્થક કરવા આર્ત્મનિભરતા પ્રતિ આગેકદમ થકી ભારતીય વાયુસેના દ્વારા સ્વદેશી રીતે વિકસિત અનેક એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આર્ત્મનિભર ભારતની દિશામાં સ્વદેશી એરોસ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત અને શક્તિશાળી બનાવશે. રાફેલ, તેજસ, જેગુઆર, મિગ-૨૯, મિરાજ-૨૦૦૦, પેરા-ટ્રુપર્સ જેવા અનેકવિધ શકિતશાળી એરક્રાફટ સાથે દુનિયાની ચોથી સૌથી શકિતશાળી ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.
ચાલો જાણીએ, ભારતીય વાયુસેનાનાં ઈતિહાસ વિશે
આજના દિવસે વર્ષ ૧૯૩૨માં યુનાઇટેડ કિંગડમની રોયલ એર ફોર્સ માટે સહાયક દળ તરીકે ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. પહેલી વખત વાયુસેનાએ ૦૧ એપ્રિલ, ૧૯૩૩ નાં રોજ ઉડાન ભરી હતી. પહેલું ઓપરેશન વજીરિસ્તાનમાં કબાલીઓ વિરૂદ્ધ હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એનું વિસ્તરણ કરવામાં આવ્યું. આ દરમ્યાન બર્મામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી ઇન્ડિયન એરફોર્સે જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ તેને “રોયલ” ઉપસર્ગ આપવામાં આવ્યો. આ રીતે “ઈન્ડિયન એરફોર્સ(ૈંછહ્લ) “રોયલ ઈન્ડિયન એર ફોર્સ(ઇૈંછહ્લ)” તરીકે જાણીતું બન્યું. આઝાદી પછી રોયલ ઉપસર્ગ કાઢી એરફોર્સને નવું નામ મળ્યું “ભારતીય વાયુસેના (ઇન્ડિયન એરફોર્સ-ૈંછહ્લ)”. આઝાદી પહેલા એરફોર્સ ઉપર આર્મીનો કંટ્રોલ હતો. એરફોર્સને આર્મીના કમાન્ડથી સ્વતંત્ર બનાવવાનું ક્રેટિડ ઈન્ડિયન એરફોર્સના પહેલા કમાન્ડર ઇન ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને જાય છે. તેઓ ભારતીય વાયુસેનાના પહેલા ચીફ એર માર્શલ હતા. હાલ ચીફ માર્શલ તરીકે અમરપ્રીત સિંહ પદભાર સાંભળી રહ્યા છે. વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લા સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન એશિયાનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે.
વાયુસેનામાં નેતૃત્વ કોણ કરે ?
ભારતના રાષ્ટ્રપતિ વાયુસેનાના સુપ્રીમ કમાન્ડરનું પદ ધરાવે છે. વાયુસેનાના વડા એક ફોર સ્ટાર એર ચીફ માર્શલ ઓફિસર હોય છે, જે મોટાભાગના ઓપરેશનલ કમાન્ડ માટે જવાબદાર હોય છે. એરફોર્સ પાંચ ઓપરેશનલ અને બે ફંક્શનલ કમાન્ડ્સમાં વહેંચાયેલું છે. દરેક કમાન્ડનું નેતૃત્વ એર માર્શલની રેન્કના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ કરે છે. ઓપરેશનલ કમાન્ડનો હેતુ જવાબદારીવાળા વિસ્તારમાં એરક્રાફ્ટનો ઉપયોગ કરીને મિલિટ્રી ઓપરેશનને પાર પાડવાનો હોય છે.
વાયુસેનાનો ધ્વજ
ભારતીય વાયુ સેનાનો ધ્વજ તેના સિમ્બોલથી અલગ વાદળી કલરનો છે. જેમાં એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ, મધ્યભાગમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ કેસરી, સફેદ અને લીલા રંગનાં બનેલા એક ગોળ સાથનો આ ધ્વજ ૧૯૫૧ માં અપનાવવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ભારતીય વાયુસેના ભારતીય સશસ્ત્ર દળોને આકાશમાંથી સહાય પૂરી પાડે છે. ભારતીય હવાઈ ક્ષેત્રને સુરક્ષિત કરવાનું અને સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન હવાઈ યુદ્ધનું સંચાલન કરવું એ પ્રાથમિક મિશન છે. ભારતને તમામ સંભવિત જોખમોથી બચાવવાની સાથે મુશ્કેલી સમયે રાહત તેમજ બચાવકાર્ય પણ વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવે છે. વાયુસેના બીજા વિશ્વયુદ્ધ, ભારત-ચીન યુદ્ધ, ઓપરેશન કેક્ટસ, ઓપરેશન વિજય, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, કોંગો સંકટ વગેરે જેવા યુદ્ધોમાં સામેલ થઈ અદમ્ય પરાક્રમ અને સાહસની અનુભૂતિ કરાવી દેશને સુરક્ષા બક્ષી છે. ભારતીય વાયુ સેનાએ ઘણા મહત્વના ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે.
વિશેષ અહેવાલ ઃ ભાવિકા લીંબાસીયા