૧૬મી ઓક્ટોબર વિશ્વ અન્ન દિવસ : ભારતમાં PMGKAY થકી ગરીબોને મળ્યો અન્ન સલામતીનો આધાર

0

વિશ્વ અન્ન દિવસ-૨૦૨૪ની થીમ છે “સારા જીવન અને સારા ભવિષ્ય માટે અન્નનો અધિકાર” : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી ગરીબોને વિનામૂલ્યે અનાજ આપતી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ વિશ્વના અન્ય દેશો માટે પ્રેરણારૂપ : રાજકોટ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં ૪૩,૨૪૮ મે. ટન ઘઉં, તથા ૫૪,૮૩૦ મે. ટન ચોખાનું વિનામૂલ્યે વિતરણ


વિશ્વભરમાં દર વર્ષે ૧૬મી ઓક્ટોબર વિશ્વ અન્ન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સન ૧૯૪૫માં આ દિવસે સંયુક્ત રાષ્ટ્રના ખોરાક અને કૃષિ સંગઠન (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના થઈ હતી અને તેના માનમાં, ૧૬ ઓક્ટોબર ૧૯૮૧થી આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં ભૂખમરા સામે લડતા કે ખાદ્યાન્ન સુરક્ષા માટે કાર્ય કરતા વિવિધ સંગઠનો તેમજ વિશ્વના ૧૫૦ દેશો અને ૫૦ ભાષાઓ બોલતા લોકો ૧૬મી ઓક્ટોબરે વિશ્વ અન્ન દિવસની ઉજવણી કરે છે. ખોરાક એ પ્રાથમિક અને મૂળભૂત માનવ અધિકાર છે. વિશ્વ અન્ન દિવસની વર્ષ-૨૦૨૪ની થીમ છે “સારા જીવન અને સારા ભવિષ્ય માટે અન્નનો અધિકાર” (રાઇટ ટુ ફૂડ ફોર બેટર લાઈફ એન્ડ બેટર ફ્યુચર). ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં જણાવાયા પ્રમાણે, આ વિશ્વની વસતીને ખવડાવતા વધે એટલું અનાજ ખેડૂતો ઉત્પન્ન કરી રહ્યા છે, આમ છતાં પણ ભૂખમરો નાબૂદ નથી કરી શકાયો. વિશ્વમાં આશરે ૭૩ કરોડ ૩૦ લાખથી વધુ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. જેની પાછળ બદલાતું હવામાન, સંઘર્ષો, આર્થિક મંદી, અસમાનતા તથા રોગચાળો કારણભૂત હોવાનું મનાય છે. આ બધી સ્થિતિ ગરીબો અને નબળા લોકોને સૌથી ગંભીર અસર કરે છે, જેમાંના ઘણા કૃષિ પરિવારો છે, જે તેમના દેશમાં તેમજ વિશ્વમાં વિસ્તરી રહેલી અસમાનતાને પ્રતિબિંબિત કરે છે. હવા અને પાણી પછી અન્ન એ ત્રીજી માનવીની સૌથી અનિવાર્ય જરૂરિયાત છે. દરેક વ્યક્તિને પૂરતા અન્નનો અધિકાર હોવો જાેઈએ. આજે વિશ્વમાં આશરે ૨૦૮ કરોડથી વધુ લોકો પોષક આહાર મેળવી શકતા નથી. કૂપોષણથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે, બાળકનો તંદુરસ્ત વિકાસ થઈ શકતો નથી. કોઈપણ દેશ માટે કૂપોષણ મોટી સમસ્યા બની રહે છે. કૂપોષણની સમસ્યાને પારખતા, તેની નાબૂદી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં ૮મી માર્ચે, ભારતમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ શરૂ કરાવ્યું હતું. જે અંતર્ગત દર વર્ષે, માર્ચ મહિનામાં ૧૫ દિવસ સુધી ‘પોષણ પખવાડિયું’ ઉજવવામાં આવે છે. તેવી જ રીતે, સપ્ટેમ્બર મહિનાની સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. હાલમાં જ સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન’ સાથે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી પોષણ માહનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, ‘સહી પોષણ-દેશ રોશન’ના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત જ્ર૨૦૪૭નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ માહ મહત્વપૂર્ણ બનશે. આ તકે ગુજરાતમાં કૂપોષણની નાબૂદી અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ” ખાસ કરીને આદિજાતિ વિસ્તારોના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંજીવની યોજનામાં અંદાજે ૧૩ લાખથી વધુ બાળકોને પાશ્ચ્‌યુરાઈઝ્‌ડ ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે. ટેક હોમ રાશન, પોષણ સુધા અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા વધારાનું પ્રોટિન તથા પૂરક પોષક આહાર લાભાર્થીઓને પૂરો પાડવામાં આવે છે. આવી સર્વગ્રાહી પોષણ યોજનાઓના સકારાત્મક પરિણામો રાજ્યમાં જાેવા મળ્યા છે અને અત્યાર સુધીમાં ૪૫ લાખ લાભાર્થીઓને યોજનાકીય લાભ મળ્યા છે. લોકોના અન્નના અધિકારને પ્રાધાન્ય આપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કોરોનાકાળમાં ગરીબોને વિનામૂલ્યે અનાજ આપતી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (પી.એમ.જી.કે.એ.વાય.) શરૂ કરાવી હતી. ‘દરેક વ્યક્તિને અનાજ મળવું જાેઈએ (નો વન લેફ્ટ બિહાઈન્ડ)’ -એ ભાવથી શરૂ થયેલી પી.એમ.જી.કે.એ.વાય. યોજના આજે વિશ્વના અન્ય દેશો માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના PMGKAY અને અન્ય કલ્યાણ યોજનાઓને ડિસેમ્બર ૨૦૨૮ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. આ એક એવી યોજના છે, જેમાં એન.એફ.એસ.એ. (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) યોજના અન્વયે રેશનકાર્ડધારકોને કાર્ડદીઠ એક કિલો ઘઉં તથા ચાર કિલો ચોખા મળીને કુલ પાંચ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. જ્યારે અંત્યોદય કાર્ડધારકોને ૧૫ કિલો ચોખા અને ૨૦ કિલો ઘઉં મળીને કુલ ૩૫ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (એન.એફ.એસ.એ.) હેઠળ રાજકોટ જિલ્લામાં કુલ ૩ લાખ, ૨૨ હજાર, ૯૩૮ રેશનકાર્ડ નોંધાયેલા છે. જેમાં ૧૩ લાખ, ૧૫ હજાર ૬૨૩ નાગરિકોનો સમાવેશ થયેલો છે. રાજકોટ જિલ્લામાં એપ્રિલ ૨૦૨૩થી લઈને માર્ચ-૨૦૨૪ સુધીમાં ૩૦,૫૬૫ મેટ્રીક ટન ઘઉં, ૩૭,૩૯૩ મે. ટન ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જ્યારે ૭૬૨.૪૧ મે. ટન તુવેરદાળ ઉપરાંત ૧,૭૬૮ મે. ટન ખાંડ, ૨૦૨૨ મે. ટન મીઠું ઉપરાંત ખાદ્યતેલના ૫૭૧ પાઉચનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે એપ્રિલ ૨૦૨૪થી લઈને ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં ૧૨,૬૮૩ મે. ટન ઘઉં, ૧૭,૪૩૭ મે. ટન ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જ્યારે ૬૨૭ મે. ટન ખાંડ, ૫૨૯ મે. ટન મીઠું તેમજ ૨૭૮ લીટર ખાદ્યતેલના પાઉચનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું છે. ભારતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પી.એમ.જી.કે.એ.વાય.) આજે અનેક ગરીબોની અન્ન સલામતીનો આધાર બની છે.
ખાસ લેખ ઃ સંદીપ કાનાણી

error: Content is protected !!