શાળાઓની સંખ્યા વધી : ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમા સતત વિકાસ થઇ રહ્યો છે. ૨૩ વર્ષના તેમના સફળ અને સક્ષમ નેતૃત્વની ઉજવણી હેતુ વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિકાસ સપ્તાહની ઉજવણી તમામ ક્ષેત્રે નાગરિકોને છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તનોની અનુભૂતિ કરાવી રહ્યું છે. ૨૩ વર્ષની આ વિકાસયાત્રાના અવસરે શિક્ષણક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનના નવા પરિદ્રશ્યો સામે આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાનમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, તો ગુજરાતના વિદ્યાર્થીઓનું શિક્ષણ ગુણવત્તાસભર બને અને વૈશ્વિક શિક્ષણ વ્યવસ્થા સાથે ભારતીય શિક્ષણ પ્રણાલી કદમ મિલાવી આગળ વધે તે માટે ગુણોત્સવ, ડિજિટલ એજ્યુકેશનને સામેલ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા ૨૩ વર્ષમાં રાજકોટ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. બે દાયકા અગાઉ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા માત્ર ૯૬ હતી, તેની સામે આજે આ સંખ્યા આશરે ૯૦૦ થવા જઈ રહી છે. એટલે કે જિલ્લામાં પ્રાથમિક શાળાઓની સંખ્યામાં આશરે ૯૦૦ ટકાથી વધુનો વધારો થયો છે. હાલના વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ધૂરા સંભાળી અને તેમણે ‘દરેક બાળક શાળાએ જવું જ જાેઇએ, દરેક બાળકને શિક્ષણ મળવું જ જાેઇએ’, એ ખેવના સાથે પ્રવેશોત્સવ-ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા, બાળકોને ઘર-આંગણે શિક્ષણ મળે તે માટે નવી સરકારી પ્રાથમિક શાળાઓ ખોલાવી. તેના પરિણામે રાજકોટ જિલ્લામાં આજે અંદાજે ૯૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે. એટલું જ નહીં, તેમાંથી આશરે ૫૪૧ તો “સ્કૂલ ઑફ એક્સેલન્સ” તરીકે પસંદગી પામી છે. રાજકોટ જિલ્લામાં સરકારી-ખાનગી શાળાઓની સંયુક્ત સ્થિતિ જાેઈએ તો, જિલ્લામાં ધોરણ ૧ થી ૫ સુધીની ૨૧૪ શાળાઓ છે. જ્યારે ધો. ૧થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૦૯૩ જેટલી છે. જિલ્લામાં ધો. ૧થી ૧૦ સુધીની ૨૦૮ માધ્યમિક શાળાઓ જ્યારે ધો. ૧થી ૧૨ સુધીની ૩૦૭ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. આમ, જિલ્લામાં કુલ મળીને ૧,૮૨૧ સરકારી-ખાનગી શાળાઓ છે. આ સાથે રાજકોટ મહાનગરની સ્થિતિ જાેઈએ તો, ૯૧ શાળાઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક અને અન્ય ૫૩૦ જેટલી સેલ્ફ ફાયનાન્સ પ્રાથમિક શાળાઓ છે. ઉપરાંત શહેર-જિલ્લામાં ૬૩૮ જેટલી સેલ્ફ ફાયનાન્સ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે. તદુપરાંત રાજકોટ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં પણ દરેક બાળકને ઉચ્ચ શિક્ષણની નવી તકો મળે તે માટે નવી સરકારી શાળાઓ મંજૂર કરવામાં આવી છે જેમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રવેશોત્સવના કારણે શાળાપ્રવેશ માટે બાળકોની સાથે વાલીઓ તેમજ નાગરિકોનો પણ ઉત્સાહ વધ્યો છે. શાળા પ્રવેશોત્સવના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ જિલ્લામાં ૧૦૦ ટકા કરતાં પણ વધુ નામાંકન થયું છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૯થી ગુણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ત્રણ મુદ્દાનો કાર્યક્રમ પણ અમલમાં મુકાયો છેઃ બાળકોને મૂળભૂત અક્ષરજ્ઞાન-આંકડાજ્ઞાન, શાળાની ભૌતિક સુવિધા સુધારવી-વધારવી તેમજ શાળાના શિક્ષણની ગુણવત્તાનું ગ્રેડિંગ-મૂલ્યાંકન કરવામા આવ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦માં શાળાઓનું વૈજ્ઞાનિક પધ્ધતિથી એક્રેડિટેશન કરવા માટે ગુણોત્સવ ૨.૦ની શરૂઆત કરવામાં આવી છે.જેમાં આશરે ૫૦૦ સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ(ય્જીઊછઝ્ર) દ્વારા દર વર્ષે તમામ શાળાઓનું સ્કૂલ ઇન્સ્પેકટર્સ દ્વારા મૂલ્યાંકન અને એક્રેડિટેશન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ગુજરાત તેની તમામ ૩૨,૫૦૦ સરકારી પ્રાથમિક શાળાઓને એક્રેડિટેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. એક્રેડિટેશનના અત્યાર સુધીમાં કુલ ૪ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે. દરેક રાઉન્ડ માટે સ્કૂલ રિપોર્ટ કાર્ડ્સ તૈયાર કરીને શાળાઓને આપવામાં આવ્યા છે. આ માટે દરેક શાળાની સ્કુલ એડમિનિસ્ટ્રેશન, સંસાધનોનો ઉપયોગ, ટીચિંગ એન્ડ લર્નિંગ એઇડ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સાથે વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવતા ડિજિટલ એજ્યુકેશનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ જ કારણ છે કે, આ વર્ષ શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજકોટ જિલ્લામાં નવા ૮૫ કમ્પ્યુટર લિટરસી સેન્ટર તથા ૯૦થી વધુ જ્ઞાનકુંજ સ્માર્ટક્લાસ શરૂ થયા છે. સમયની સાથે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે અને તેનો શિક્ષણમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આજે રાજકોટ જિલ્લામાં ૭૩૦ જ્ઞાનકુંજ-સ્માર્ટ ક્લાસ બનાવાયા છે. આમ જિલ્લામાં કુલ ૮૧૫ સ્માર્ટક્લાસ કાર્યરત થશે. નોંધનીય છે કે, જિલ્લામાં હાલ ૫૬ શાળાઓમાં ઈન્ફર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી લેબ (આઈ.સી.ટી.) કાર્યરત છે. આજે પ્રવેશોત્સવ-ગુણોત્સવ જેવા કાર્યક્રમોથી ડ્રોપઆઉટ રેશિયો ઘટીને ૧.૭૮ ટકા જેટલો થઈ ગયો છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ રાજકોટ જિલ્લો અવ્વલ આવી રહ્યો છે. હાલમાં જ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ હતો. તો ધોરણ ૧૦-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજકોટ જિલ્લો ૧થી ૫ ક્રમમાં હતો. હજુ પણ રાજકોટ જિલ્લામાં શિક્ષણની વિકાસકૂચ સતત ચાલી રહી છે.