ખંભાળિયાના ચીફ ઓફિસરની વિજાપુર બદલી : કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યો કરાયા હતા

0

ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર વ્યાસની બદલી વિજાપુર ખાતે થઈ છે. છેલ્લા દોઢેક વર્ષથી અહીં ફરજ બજાવતા ચીફ ઓફિસર વ્યાસ દ્વારા ખંભાળિયા નગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો તેમજ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ટીમ વર્ક દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બુધવારે રાજ્યના જુદા જુદા રાજ્યની જુદી જુદી નગરપાલિકાઓમાં ફરજ બજાવતા કુલ છ ચીફ ઓફિસરની બદલીના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ પી. વ્યાસની બદલી વિજાપુર ખાતે કરવામાં આવી છે. જાે કે તેમના સ્થાને હજુ કોઈ અધિકારીની નિયુક્તિ થઈ નથી. તા. ૧ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ખંભાળિયા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળનારા ભરતકુમાર વ્યાસ દ્વારા છેલ્લા દાયકાથી ટલ્લે ચડેલા નગરપાલિકાના નવા બનેલા શોપિંગ સેન્ટર તેમજ નવી શાક માર્કેટની હરાજીની મંજૂરી પ્રક્રિયા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી તાજેતરમાં જ આ બંને મિલકતોની હરાજીની મંજૂરી મેળવી હતી. આટલું જ નહીં, શહેરમાં જુદા જુદા કુલ ૧૨૨ કરોડના વિકાસ કાર્યો માટેનો રોડ મેપ પણ તેમના દ્વારા તૈયાર કરાવી અને પાલિકા કર્મચારીઓની ટીમને સાથે રાખીને અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સંસદ પૂનમબેન માડમના સહકારથી કરોડ રૂપિયાની ખાસ વિકાસ ગ્રાન્ટ મેળવવામાં તેમને સફળતા મળી છે. જેમાં ખંભાળિયા શહેરમાં ખામનાથ મંદિર પાસે ૧૨૦ વર્ષ જુના કેનેડી પુલની જગ્યાએ રૂપિયા ૨૫.૬૪ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા, રૂપિયા ૩૮.૪૨ કરોડના ખર્ચે ઘી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની યોજના, રૂપિયા ૨૮.૬૨ કરોડના ખર્ચે ઘી નદીના કાંઠે બોક્સ ડ્રેનેજ બનાવવા અને રૂપિયા ૩૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના (ફેઝ – ૨)ની મંજૂરીની પ્રક્રિયા તેમના દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. આજરોજ ગુરુવારે તેઓ ખંભાળિયાનો પોતાનો ચાર્જ અન્ય ઇન્ચાર્જ અધિકારીને સોંપશે. ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસના સમયગાળા દરમિયાન તેમના દ્વારા નગરપાલિકામાં વેરા વસુલાત વધારવા, શહેર નજીકની ચાર ગ્રામ પંચાયતોને ભેળવીને વિસ્તાર વધારવા, શહેરના રસ્તાઓ ગુણવત્તાયુક્ત બને તે માટેની ખાસ તકેદારી રાખવા, શહેરના વિકાસ કાર્યોના નક્કર આયોજન, સહિતની બાબતે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ખંભાળિયા નગરપાલિકામાં લાંબો સમય કાયમી ચીફ ઓફિસરના અભાવ વચ્ચે વધુ એક વખત ખંભાળિયા નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર વાળી બની જશે.

error: Content is protected !!