ભવનાથ મંદિરને આધારપુરાવા વિના જ પચાવી પાડ્યું હોવાનો હરીગીરી સામે અમરગીરીનો આક્ષેપ

0

ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે, સાધુઓના જુથો આમનેસામને થઈ રહ્યા છે ત્યારે સરકાર શું ડિસીજન લે તે ઉપર સબંધીતોની મીટ

પુરાણ પ્રસિધ્ધ એવા ભવનાથ મહાદેવ મંદિરના વર્તમાન મહંત હરીગીરી મહારાજ વિરૂધ્ધ ગંભીર પ્રકારના આક્ષેપોનો મારો સતત ચાલી રહ્યો છે. એક તરફ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી દ્વારા હરીગીરીની મહંત તરીકેની નિમણુંકને ગેરકાયદેસર ગણાવી અને આ નિમણુંક તાત્કાલીક અસરથી રદ કરવાની માંગણી સતત થઈ રહી છે. તો બીજી તરફ ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી પણ મેદાનમાં આવ્યા છે અને તેઓએ વાયરલ કરેલા વિડીયોમાં સ્પષ્ટ જણાવેલ છે કે ભવનાથ મંદિર કોઈપણ જાતના આધારપુરાવા વગર હરીગીરીએ પચાવી પાડયા હોવાનો આક્ષેપ કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ શરૂ થયેલા ગાદી- વારસાના વિવાદમાં વધુ એક સાધુએ ઝંપલાવ્યું છે. તેમણે વીડિયો વાઇરલ કરીનેએવી દહેશત વ્યકત કરી છે કે, જો ગુજરાતના સંતો એક નહી થાય તો ગિરનાર અને નાના -નાના મંદિરોનો કબ્જો યુપીના સંતોના હાથમાં જતો રહેશે. પોતાના વાઇરલ કરેલા વીડિયોમાં અમરગિરીએ જણાવ્યું છે કે તે ભવનાથના બ્રહ્મલીન સંત રઘુનાથગીરીના શિષ્ય છે. તેઓ ૧૦ વર્ષથી હાઇકોર્ટમાં લડત કરી રહ્યા છે. આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલના મહંત હરિગીરી યુપીના વતની છે અને તેઓ ગુરૂ- શિષ્ય પરંપરામાં આવતા નથી. તેઓ તેરા મઢીના છે, ગિરનાર જોડે તેમને કોઇ સંપર્ક નથી, કોઇ આધાર પુરાવા નથી છતાં આ મંદિર પચાવી પાડ્‌યું છે. મંદિરમાં અનેક ગુજરાતી સંતો- મહાત્માઓ છે. છતાં ગુજરાતમાંથી ગમે તેમ કરીને, પૈસાની લેતી દેતી કરીને, ધાકધમકી આપીને ભગાડી દે છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના દેહવિલય બાદ યુપીના મહાત્માએ બળજબરીથી કબ્જો કરીને મહંત પ્રેમગીરીની ચાદર વિધી કરાવી તે ન્યાયમાં આવતું નથી.ખરેખર તો ગુરૂ – શિષ્ય પરંપરામાં આવે તેને જ ગાદી મળવી જોઇએ. ગુરૂ- શિષ્ય પરંપરા વર્ષોથી ચાલી આવે છે છતાં યેનકેન પ્રકારેણ હરિગીરીએ ચાદરવિધી ખોટી રીતે કરી છે. મહેશગીરી મહારાજ અવાર નવાર અવાજ ઉઠાવે છે તે સાચા માણસ છે. ગિરનાર અને સનાતન ધર્મનું અહિત ન થાય, ગુરૂ- શિષ્ય પરંપરાને લાંછન ન લાગે તે માટે તેઓ લડત આપી રહ્યા છે. અધિકારીઓ ખોટા નથી હોતા પરંતુ કેટલાક સાધુ- સંતો લાંચ રૂશ્વત આપીને ખરાબ કરે છે. ત્યારે જો હવે ગુજરાતના સાધુ- સંતો એક નહિ થાય તો ગિરનાર, નાના મંદિરોનો કબ્જો યુપીના સંતોના હાથમાં જતો રહેશે તેમ વાઇરલ વીડિયોમાં અમરગીરીએ જણાવ્યું છે. આમ, સંતોમાં પણ હવે જાણે વીડિયો વાઇરલ કરવાની ઐસી લાગી લગન જેવું થઇ રહ્યું છે.
ભુજ રેલવે સ્ટેશનેથી મૃતદેહ મળ્યો હતો
ભવનાથ મંદિરના મહંત અને અમારા ગુરૂ રઘુનાથ મહારાજનો દેહ વિલય થયા બાદ અમારા મોટા ગુરૂભાઇ રમેશગીરી બાપુને મહંત પદે આવ્યા હતા. જોકે, એમનું અકાળે મોત થયું હતું. ગમે તે ભોગે તેને મારી નંખવામાં આવ્યા હોય કે જે તે થયું હોય ભૂજના રેલવે સ્ટેશને મર્ડર કરી તેને નાંખી દીધા હતા. | અમરગીરી, ભવનાથ મંદિરના સભ્ય સંત.
૧૪મી અને ૧૩મી મઢીના સંતોનો વિવાદ
ભવનાથ મંદિરના એક સંત બ્રહ્મલીન મહંત રઘુનાથગીરીનો હું શિષ્ય છું. હું પંચદશનામ જૂના અખાડાના ૧૪મી મઢીનો સંત છું. જ્યારે હરિગીરી ૧૩મી મઢીના સંત છે.અમારે તેરા મઢી અને તેમની ચૌદા મઢીને કંઇ લાગે વળગતું નથી. તેમની પાસે ૧૦૦ થી ૨૦૦ મંદિરો છે.
બેઉ બળીયા બાથે વળગ્યા
અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ પોતાના કોઇ શિષ્ય કે વારસદારની નિમણુંક કરી ન હતી. જેને લઇને ગાદી મેળવવા મામલે ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં એક તરફ ભૂતનાથ મંદિરના મહંત અને દિલ્હીના પૂર્વ સાંસદ મહેશગીરી છે તો સામે ભવનાથ મંદિરના મહંત હરિગીરી છે. આમ, આ લડાઇમાં બેઉ બળીયા બાથે વળગીયા જેવો તાલ સર્જાયો છે. ત્યારે આ વિવાદમાં કોઇ મધ્યસ્થી બની ઉકેલ લાવે તે બન્નેના હિતમાં છે. કારણ કે જો આ વિવાદ લાંબો ચાલશે તો તે કોઇના હીતમાં નહી હોય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

error: Content is protected !!