નાતાલ-થર્ટી ફસ્ટના મીની વેકેશનના અઠવાડિયામાં ૩ લાખથી વધુ ભાવિકો સોમનાથમાં ઉમટી પડ્યા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મહાદેવ એટલે શાંતિના પ્રદાતા શિવજી કે જેમનો અર્થ જ કલ્યાણ થાય છે તેમની પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ સમૃદ્ધિની ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે. નાતાલ અને થર્ટી ફસ્ટના મીની વેકેશનના અઠવાડિયા દરમ્યાન દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવીકોનો મોટો પ્રવાહ ઉમટી પડયો છે. ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૈારાષ્ટ્રભણી પ્રયાણ કર્યું હોય તેમ દ્વારકા, સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જાેવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ભગવાન સોમનાથના અલોકીક દર્શન અને આરતીનો લ્હાવો લઇ ઘન્યતા અનુભવી રહ્યા છે. તા.૨૫ નાતાલથી આજે તા.૩૧ ડીસે. સુધીમાં સોમનાથમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હોવાનું સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબેએ જણાવ્યું હતું. સોમનાથ મંદિર ખાતે ભાવિકોની ભીડને ધ્યાને લઈ દર્શનમાં કોઈ અગવડતા ના પડે તે માટે વધારાનો સિક્યુરિટી સ્ટાફ તૈનાત કરવામાં આવેલ તેમજ વધારાના પ્રસાડીના કાઉન્ટરો પણ ઉભા કરવામાં આવ્યા હતા. તો સોમનાથમાં આવેલ ૨૫૦ જેટલી હોટલો, ગેસ્ટહાઉસો હાઉસફુલ જાેવા મળ્યા હતા.