જગતમંદિર પરિસર ભક્તોની ભીડથી ઉભરાયું
ભારતના ચારધામ પૈકીના એક ધામ અને સપ્તપૂરીમાંની એક પૂરી દ્વારકા, મંગળવારે સનસેટ પોઇન્ટ ખાતે સહેલાણીઓએ ૨૦૨૪ ને બાય બાય કહીને ગઈકાલે બુધવારે ૨૦૨૫ નું સ્વાગત કર્યું હતું. યાત્રાધામ દ્વારકામાં આજે નવા વર્ષ ૨૦૨૫ ના સુર્યનું પ્રથમ કિરણ જાેઇને અનેક ભાવિકોએ અને સહેલાણીઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ૨૦૨૫ ની શુભ શરૂઆત કરી હતી. અને દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં યાત્રાળુઓની લાંબી લાઈનો જાેવા મળી હતી. અનેક ભાવિકોએ ભગવાન દ્વારકાધીશની એક ઝલક પામવા માટે લાઈનોમાં ઉભીને ઝંખના સેવીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે જગતમંદિર પરિસર સહિત બજારમાં પણ શ્રદ્ધાળુઓનો ધસારો જાેવા મળ્યો હતો. બુધવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અનેક યાત્રાળુઓ દ્વારકાની આજુ બાજુ આવેલા અનેક જાેવા લાયક તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. અને કુદરતી વાતાવરણને માણીને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને ગઈકાલે વર્ષના પ્રથમ દિવસે ભગવાન પાસે શ્રદ્ધાળુઓએ સુખ સમૃદ્ધિ અને દેશ, રાજ્યની સારી કામનાઓ કરી હતી.