ખંભાળિયામાં પરિણીત યુવતી ઉપર દુષ્કર્મ : આરોપી એસટી ડ્રાઇવરની અટકાયત

0

ખંભાળિયામાં હાલ રહેતી અને અન્ય જિલ્લાની વતની એવી એક પરિણીત મહિલાને ખંભાળિયા એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા વ્યાપક રીતે પરેશાન કરી અને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આરોપી અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ મથકમાં જાહેર થયેલી વિગત મુજબ ગુજરાત તરફના જિલ્લામાં રહેતી અને પરિણીત એવી એક યુવતી એસટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હોય, તેણી ખંભાળિયામાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. તેની સાથે બસમાં કામ કરતા ડ્રાઇવર પુંજાભાઈ રામાભાઈ ઉલવા (રહે. યોગેશ્વર નગર, ખંભાળિયા) દ્વારા ઉપરોક્ત કંડકટર મહિલા સાથે બોલવા ચાલવાનો વ્યવહાર હતો. આ બંનેની ફરજના સમયગાળા દરમ્યાન એસ.ટી. બસ ચાલક પુંજાભાઈ દ્વારા કોઈના કોઈ બહાને મહિલા સાથે આત્મીયતા વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ ઉપરાંત તેના દ્વારા મહિલાને અવારનવાર ફોન કરવામાં આવતા તેણી ફોન કટ કરી નાખતી હતી. પરંતુ આરોપી પુંજાભાઈ અન્ય કોઈ વ્યક્તિના મોબાઈલમાંથી ફોન કરી અને પ્રેમજાળમાં ફસાવવા માટે પ્રયત્ન કરતો હતો. આટલું જ નહીં, તેના દ્વારા મહિલાને શરીર સંબંધ બાંધવા માટે કહેવામાં આવતા તેણીએ ના કહી દીધી હતી. પરંતુ તેણે મહિલાને મારી નાખવાની ધમકી તેમજ નોકરીમાંથી છૂટા કરાવી દેવાની ધમકી આપી અને મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ધોરણસર ફરિયાદ ભોગ બનનાર મહિલાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી હતી. આ ઉપરાંત તેના મોબાઈલમાં મહિલાના ફોટા અને વિડિયો હોવાનું કહી અને અવારનવાર ધમકી આપી, બળજબરીપૂર્વક સંબંધ રાખી અને દુષ્કર્મ ગુજારવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે મહિલાએ પોતાના માતાને જાણ કરી હતી અને ત્યાર બાદ આ સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી ખંભાળિયા પોલીસે મહિલાની ફરિયાદ પરથી એસટી બસના ડ્રાઇવર પુંજાભાઈ રામાભાઈ ઉલવા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી લીધી હતી.

error: Content is protected !!