તાજેતરમાં વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામની એક અનુસૂચિત જાતિની સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના એટ્રોસીટી તથા પોક્સોના કાયદા મુજબના વિસાવદર પોલીસ સ્ટેશનના ગુન્હામાં વિસાવદર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આ ગુન્હાના આરોપીઓ રાકેશ ઉર્ફે રાકો, અકીલ ઉર્ફે સાબરી તથા અનિલ ઉર્ફે અનો ત્રણેય આરોપીઓને ૨૦/૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવવામાં આવેલ છે. આ પહેલા અન્ય બીજા એક કેસમાં ફરિયાદીની ધોરણ ૦૯માં અભ્યાસ કરતી સગીર વયની દીકરીને શાળામાં લઈ જવાના બહાને આરોપીએ પોતાના મોટર સાયકલ ઉપર બેસાડી, બીભત્સ ચેનચાળા કરી, ભોગ બનનાર દિકરી શિડ્યુલ કાસ્ટની હોવાનું જાણવા છતાં, બીભત્સ માંગણી કરી, ગુન્હો આચર્યા બાબતની પોકસો એક્ટ અને ઍટ્રોસિટી એક્ટ મુજબના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ ગુન્હામાં પણ આરોપી ભુપતભાઈ પરસોત્તમભાઇ પડશાળા પટેલ રહે. પિરવડ તા. વિસાવદર જી.જૂનાગઢને ત્રણ વર્ષની સખત સજા કરવામાં આવેલ હતી. ઉપરાંત, ત્રીજા એક કેસમાં વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના ફરિયાદી દિલીપભાઈ જીણાભાઇ સોલંકીએ પોતાના કુટુંબના લગ્ન પ્રસંગે આરોપી હરેશભાઈ મનસુખભાઇ કિકાણીનું ડીજે મંગાવેલ, જે ડીજે ખરાબ થઈ જવા છતાં, લગ્ન પત્યા બાદ આરોપીએ ડીજે વગાડ્યું નહી હોવા છતાં, ભાડું માંગી, મારામારી કરી, જાતિ પ્રત્યે હડધૂત કરવા બાબત વિસાવદર પોલીસ સ્ટેશન ખાતેના ગુન્હામાં પણ આરોપી હરેશભાઈ મનસુખભાઇ કિકાણીને પણ એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ હતી. આમ, વિસાવદર કોર્ટ દ્વારા ઉપરોક્ત ત્રણેય એટ્રોસિટી અને પોક્સો એક્ટ મુજબના કેસમાં સજા ફટકારવામાં આવેલ હતી. આ ત્રણેય ગુન્હાઓની તપાસ તત્કાલીન જૂનાગઢ ડીવાયએસપી અને હાલના અમદાવાદ શહેર એસીપી, જે ડિવિઝન, પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરી, તાત્કાલિક તમામ ગુન્હાઓના આરોપીઓની ધરપકડ કરી, કાર્યવાહી હાથ ધરી, પુરાવાઓ એકત્રિત કરી, દુષ્કર્મ, છેડતી, પોક્સો એક્ટ તથા એટ્રો. એક્ટની કલમ મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતા. ઉપરોક્ત ત્રણેય ગુન્હાની તપાસમાં જૂનાગઢ ડિવિઝનના તત્કાલીન ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઝીણવટભરી તપાસના અંતે કરવામાં આવેલ ચાર્જશીટ આધારે વિસાવદર સેશન્સ કોર્ટમાં નામદાર એડિશનલ સેશન્સ જજ શ્રી જે.એલ.શ્રીમાળીની કોર્ટમાં કેસ ચાલી જતા, સરકારી વકીલ શ્રી એસ. ડી. જાેટાણીયા તથા શ્રી વી.એન.માઢક ની ધારદાર દલીલો અને પુરાવાઓ આધારે ત્રણેય ગુન્હાઓના આરોપીઓને એડિશનલ સેશન્સ જજ જે.એલ.શ્રીમાળી દ્વારા ભારતીય દંડ સહિતાની કલમો, જાતીય ગુનાઓ સામે બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ (પોક્સો એક્ટ)ની જુદી જુદી કલમો તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ સખત કેદની સજા ફટકારવામાં આવેલ. સામાન્ય રીતે આ પ્રકારના ગુન્હાઓના ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સમાધાન થઈ જતા હોય છે અને ઘણીવાર ફરિયાદ પક્ષ ગુન્હો સાબિત કરવામાં સફળ થતાં નથી, તેવા સમયે આ પ્રકારના જૂજ કેસોમાં સજા થતી હોય, તેવા સમયે તત્કાલીન જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા વિસાવદર સેશન્સ કોર્ટના સરકારી વકીલ એસ.ડી. જાેટાણીયા તથા વી.એન માઢકની ત્રિપુટી દ્વારા અતિ સંવેદનશીલતા દાખવી, સચોટ અને નિષ્પક્ષ તપાસ કરી, નામદાર કોર્ટમાં પુરાવાઓ રજૂ કરતાં, નામદાર કોર્ટ તરફથી એટ્રોસિટી, એટ્રોસિટી વિથ પોકસો એક્ટના ત્રણ ત્રણ કેસમાં સજા કરવામાં સફળતા મેળવેલ હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસની જિલ્લાના કાનૂની બેડામાં સરાહના થઈ રહી છે.