૧૨ દુકાનો માટેની હરાજી માટે તા. ૨૭ જાન્યુઆરી મુકરર
અત્યંત કંગાળ પરિસ્થિતિમાં રહેલી ખંભાળિયા નગરપાલિકા હવે થોડી સધ્ધર થાય તેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે. આગામી દિવસોમાં ખંભાળિયા નગરપાલિકાના વર્ષો પહેલા નિર્માણ પામેલા અને ઘણા સમયથી બંધ રહેલા શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી અગામી તારીખ ૨૭ મી જાન્યુઆરીના રોજ થનાર હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જાેધપુર ગેઈટ ચોકમાં આવેલા પ્રેસિડેન્ટ શોપિંગ સેન્ટર કે જેનું નિર્માણ દોઢ દાયકા પૂર્વે કરવામાં આવ્યું હતું. પરંતુ શાસકોની ઉદાસીનતાના કારણે લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ શોપિંગ સેન્ટરની આ દુકાનોની હરાજી થઈ શકી ન હતી. જ્યારે છેલ્લા કેટલાક સમયથી આ હરાજી માટેની મહત્વની પ્રક્રિયા એવી જમીનને સરકારમાંથી નગરપાલિકાની કરવાની નિયત પ્રક્રિયા માટે વર્તમાન સદસ્યોની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવાયા બાદ હવે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, અને દુકાનોની હરાજી માટેની લીલી ઝંડી સાંપડી છે. પાલિકા સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જાેધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી સીટ નંબર ૫૧ પૈકીની જગ્યામાં બનાવવામાં આવેલા પ્રેસિડેન્ટ શોપિંગ સેન્ટરમાં આવેલી કુલ ૧૨ દુકાનોની હરાજી આગામી તારીખ ૨૭ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ઃ૩૦ વાગ્યે શોપિંગ સેન્ટરના ફર્સ્ટ ફ્લોર ઉપર મુકરર કરવામાં આવી છે. આ હરાજીમાં નિયત નમુનાની અરજી નગરપાલિકાની વોટર વર્કસ શાખામાંથી મળી રહેશે. બુકલેટની નિયતિ રૂપિયા ૧,૦૦૦ જનરલ ટેક્સીસ શાખામાં તા. ૨૧ જાન્યુઆરી સુધીમાં ભરીને બુકલેટ મેળવી લેવાની રહેશે. બુકલેટમાં જરૂરી માહિતી ભરીને રૂપિયા બે લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા એફ.ડી.આર. સાથે તા. ૨૩ જાન્યુઆરીના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં આ બુકલેટ નગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. ઉપરોક્ત રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ કે એફ.ડી.આર. જમા કરાવ્યા સિવાય દુકાનોની હરાજીમાં ભાગ લઈ શકાશે નહીં તેમ જાહેર થયું છે. આ દુકાનોની હરાજીથી નગરપાલિકાને કરોડો રૂપિયાની આવક થશે. અને પાલિકાના કર્મચારીઓના બાકી પગાર, પેન્શન વિગેરેના ચૂકવણાની ગાડી પાટે ચડશે. જે માટે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી તેમજ પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાહુલભાઈ કરમુર દ્વારા યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કુલ ૧૨ દુકાનોની હરાજી માટે ૨૪.૨૨ ચોરસ મીટર ક્ષેત્રફળ વાળી ૧૧ દુકાનની અપસેટ પ્રાઇઝ રૂપિયા ૧૫.૫૦ લાખ નક્કી કરવામાં આવી છે. હાલ આ વિસ્તારમાં રૂ. ૫૦ થી ૮૦ લાખની કિંમતે દુકાનોનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સંભવિત રીતે અંદાજિત રૂપિયા ૫૦-૫૫ લાખની કિંમતની દુકાન ૧૫.૫૦ લાખ અપડેટ પ્રાઇઝથી વેચાણ થશે. આ પરિસ્થિતિમાં નગરપાલિકાને વધુ ઊંચી કિંમતે આ દુકાનોના વેચાણથી કરોડો રૂપિયાની આવક થશે તેવું ચિત્ર જાેવા જાેવા મળી રહ્યું છે. નગરપાલિકાના આ શોપિંગ સેન્ટરના નિર્માણ બાદ ૮ જેટલા પ્રમુખો બદલાઈ ચૂક્યા છે. ત્યારે હવે લાંબા સમય બાદ હાથ ધરાનાર આ હરાજીથી શોપિંગ સેન્ટર ધમધમતું થશે અને નગરપાલિકાને પણ આવક થશે. આ જ રીતે આગામી દિવસોમાં અહીંના પોર ગેઈટ વિસ્તારમાં વર્ષો પૂર્વે નિર્માણ કરવામાં આવેલી અને હાલ બંધ રહેલી શાકમાર્કેટની હરાજીની પ્રક્રિયા પણ હાથ ધરાનાર છે. જેના ફળ સ્વરૂપે આર્થિક રીતે નબળી બની ગયેલી ખંભાળિયા નગરપાલિકાના આર્થિક પ્રશ્નો હલ થઈ શકશે.