ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા આજે 2024ના વર્ષ માટે વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપલબ્ધતા, સરકારી મંજૂરી મેળવવાની સુગમતા અને રાજ્યમાં લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવા માટેના રાજ્ય સ્તરીય પ્રયાસો પર આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતે તેની અદભૂત પ્રગતિ ચાલુ રાખીને “એચીવર્સ” કેટેગરીમાં પોતાની પોઝિશન જાળવી રાખી છે, જે રેન્કિંગની ટોચની કાર્યક્ષમ કેટેગરી છે. આજે નવી દિલ્હી ખાતે શ્રી પિયુષ ગોયલ, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી (ઉપભોક્તા મામલા, ખાદ્ય અને જાહેર વિતરણ) તેમજ શ્રી જતીન પ્રસાદ, માનનીય રાજ્યમંત્રીશ્રી (ઇલેક્ટ્રોનિકસ, આઇટી, વાણિજય અને ઉદ્યોગ) દ્વારા “લોજિસ્ટિક્સ ઈઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા. તેમજ બંન્ને દ્વારા સન્માનીય એવોર્ડ “Logistics Excellence, Advancement and Performance Shield (LEAPS)” અલગ અલગ કેટેગરીમાં ઇનોવેટીવ અને ટોચનું પ્રદર્શન કરનારી કંપનીઓને પ્રદાન કરવામાં આવ્યો. LEAPS એવોર્ડનો ઉદ્દેશ્ય ઇનોવેશન, સસ્ટેનીબીલીટી, ESG (Environmental, Social and Governance) પ્રેક્ટીસ અને ગ્રીન લોજીસ્ટીકસને પ્રોત્સાહીત કરવાનો છે.
ગુજરાતે અગાઉ LEADS સૂચકાંકમાં 2018, 2019 અને 2021ના વર્ષોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી મંત્રાલય રાજ્યોને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે જેની શ્રેણીઓ “એચીવર્સ”, “ફાસ્ટ મૂવર્સ” અને “એસ્પાયરર્સ” છે, જેમાં “એચીવર્સ” ટોચની શ્રેણી છે. ગુજરાતે સતત ત્રણ વર્ષ માટે ટોચની શ્રેણીમાં આ સ્થાન મેળવેલ છે. (વર્ષ ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪)
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રીશ્રી અને શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય કેબિનેટ મંત્રીશ્રી (ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગારી)ના વીઝનરી લીડરશીપ હેઠળ રાજ્ય આ સ્થાન મેળવી શક્યું છે, જે ગુજરાત રાજયની સક્રિય નીતિઓ અને સુસંગત માળખાને કારણે શક્ય બન્યું છે. આ બધામાં મુખ્ય ભાગ સુવિધાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા, રાજ્ય સરકાર દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે આપેલી સહાય અને વ્યવસાય સુગમતાનો રહેલો છે.
ગુજરાત રાજ્ય હંમેશા આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું એક મુખ્ય આર્થિક કેન્દ્ર રહ્યું છે. 1600 કિલોમીટર લાંબી કોસ્ટલાઇન સાથે, 48 નોન-મેજર પોર્ટ્સ અને કંડલા પોર્ટ સાથે, ગુજરાત હંમેશા પોર્ટ અર્થવ્યવસ્થા રહી છે, જે ભારતનો 40% પોર્ટ કાર્ગો હેન્ડલ કરે છે. રાજ્ય અને દેશની આર્થિક વિકાસ માટે ગુજરાત આ સ્પર્ધાત્મક કુદરતી લાભનો સતત ઉપયોગ કરતા રહેવાનો ઇરાદો રાખે છે. આ ઉપરાંત, ગુજરાતે એક વ્યાપક લોજિસ્ટિક્સ માળખાકીય મૂલ્ય શ્રેણી વિકસાવી છે જેમાં દૂરસ્થ વિસ્તારો સુધી પહોંચતા પહોળા માર્ગોની જાળવણી, DMIC, DFC, એક્સપ્રેસ-વે, પોર્ટ વિકાસ, રેલ્વે જોડાણ પ્રોજેક્ટ્સ વગેરે સામેલ છે.
રાજ્ય હંમેશા રોકાણ અને માળખાકીય વિકાસ માટે નીતિ આધારિત અભિગમ અપનાવતું આવ્યું છે. ગુજરાત 2021માં લોજિસ્ટિક્સ ક્ષેત્ર-વિશિષ્ટ પૉલિસી ધરાવતા પ્રથમ રાજ્યોમાં સામેલ હતું. આ નીતિ ઉપક્રમોના અમલીકરણનું નેતૃત્વ શ્રીમતી મમતા વર્મા, અગ્ર સચિવશ્રી (ઉદ્યોગ અને ખાણ વિભાગ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજયમાં કૌશલ્ય વિકાસ માટે મેરીટાઇમ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ખાસ ડિઝાઇન કરેલા અભ્યાસક્રમો સાથે સમર્પિત કોલેજો અને સંસ્થાઓ છે.
રાજ્યએ ઓટોમેશન અને ડિજિટલ ઉકેલોમાં પણ મોખરાનું સ્થાન રાખ્યું છે, જેમ કે પોર્ટ ઓપરેશન્સ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (POFMS), વાહન 4.0 (ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં 20 + ફેસલેસ સેવાઓ), PM ગતિ શક્તિ ગુજરાત, અને ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ જેવા ડીઝીટલ ટુલ્સ વિગેરે.
LEADS સૂચક આંકમાં અગ્રેસરતા તેમજ ગુજરાતના પ્રયાસો અને નેતૃત્વ, ઉદ્યોગોને આ પ્રબળ લોજિસ્ટિક્સ માળખાકીય સુવિધાઓના લાભ લેવા પ્રોત્સાહન આપશે અને મૂડી રોકાણને આકર્ષશે.