ખંભાળિયા પાલિકાના વેરા ન ભરાતા છ દુકાનો સીલ કરાઈ

0

ખંભાળિયા નગરપાલિકાની આર્થિક હાલત અત્યંત દયનીય અને કંગાળ છે. આ પરિસ્થિતિમાં પાલિકાની ટેક્સ કલેક્શન કામગીરી પણ ખૂબ જ નબળી બની રહી છે. ત્યારે ગઈકાલે નગરપાલિકાએ આળસ ખંખેરીને છ બાકીદારોની મિલકતો સીલ કરી દીધી છે. પાલિકા સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ નગરપાલિકાની હદમાં આવેલા માંડવી ટીંબા વિસ્તારમાં આવેલા શિવહરિ કોમ્પ્લેક્સમાં કેટલાક આસામીઓ દ્વારા નગરપાલિકાને મિલકત વેરો ભરવામાં આવ્યો ન હતું. આટલું જ નહીં, નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસોના યોગ્ય પ્રત્યુતર પણ ન અપાતા આ અંગે નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સૂચના મુજબ ટેક્સ ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે શિવહરી કોમ્પલેક્ષમાં આવેલી આ છ દુકાનોમાં સીલ મારી દેવામાં આવ્યા છે. નગરપાલિકા હવે ટેક્સ બાબતે આકરા પાણીએ થઈને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ જારી રાખશે તેવું પણ જાણવા મળ્યું છે. હાલ ટેક્સ કલેક્શનની કડકરીતે હાથ ધરવામાં આવેલી ઝુંબેશના કારણે છેલ્લા ૨૦ દિવસમાં ૨૧ લાખ રૂપિયા જેટલી વસુલાત થયાનું જાણવા મળ્યું છે. ત્યારે તળિયા ઝાટક રહેલી ખંભાળિયા નગરપાલિકાની તિજાેરીમાં દરરોજની એક લાખ રૂપિયાની નોંધપાત્ર આવક શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે પાલિકામાં કામ કરતા કર્મચારીઓના છેલ્લા કેટલાક સમયથી પગાર પણ અનિયમિત રહેતા હવે આ અંગેની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહે તેવી સંભાવનાઓ પણ જાેવા મળી રહી છે.

error: Content is protected !!