જલારામ ભકિતધામ ‘રાંદલ માતાજી’ના જય જયકારથી ગુંજી ઉઠયું : રાંદલમાના સમુ લોટાના દિવ્ય અને અદભૂત અવસર અનેરા ભક્તિભાવથી સંપન્નથયા

0

ગત રવિવારનો દિવસ ‘રાંદલ માતાજી’ના ભક્તો માટે અનેરો અવસર સાથે આવ્યો હતો. જૂનાગઢમાં વેરાવળ-રાજકોટ બાયપાસ ઉપર ઝાંઝરડા ચોકડી પાસે આવેલ શ્રી જલારામ ભક્તિધામ- શ્રી જલારામ મંદિર ખાતે ભગવતી શ્રી રાંદલ માતાજીના ર૧૮ સમુહ લોટાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દિવસભર ચાલેલા દિવ્ય અને અદભૂત અવસરનો ભકતજનોએ આનંદ માણ્યો હતો અને સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો અને સાથે જ જલારામ ભક્તિધામ રાંદલ માતાજીના જય જયકારથી ગુંજી ઉઠયું હતું.
૨૧૮ લોટાનો કાર્યકમ યોજાયો હોય તેવું આજ સુધીમાં કયાંયથી સાંભળાયું નથી. ભાતભાતના શણગારો સાથે માંના ૨૧૮ લોટાના સ્થાપનના દર્શન કરનાર દર્શનાર્થી પોતાનું અસ્તિત્વ ભુલી જઈને રાંદલમાંનાં દરબારમાં એકાકાર થઈ જતો હતો. મંદિરના સત્સંગ હોલમાં પુજન માટે કતારબધ્ધ ગોઠવાયેલી ૦૦ દંપતિઓની જાેડીના મુખ પર માં પ્રત્યેની અખુટ શ્રધ્ધા અને ભકિતભાવના દર્શનથી સૌ ધન્ય ધન્ય થઈ જતા હતાં. ઘરચોળું કે સાડી પરિધાન કરેલી એ દરેકેદરેક બહેન આદરણિય અને વંદનિય લાગતી હતી. શાસ્ત્રીજીના મંત્રોચ્ચારના ઘોષ અને એકી સાથે ૧૪૦ રાંદલભકતોની ચાલતી પૂજન-પ્રકિયા, કંઈક અલભ્ય અને અલૌકિક જ વાતાવરણનું સર્જન થયે જતું હતું. મંદિરના વિશાળ પટાંગણમાં રાંદલમાંના સમૂહ પ્રસાદનું દ્રશ્ય તો ન ભૂતો ન ભવિષ્યમાં જાેવા મળે એવું અનોખું જ ખડું થયું હતું. અધધ… ૧૫૨૬ લાઈનબંધ ગોરણીઓ અને તેના પાટલા ઉપર મૂકાયેલાં પગ ધોતી અને પૂજન કરતી યજમાન બહેનો, રંગબેરંગી વસ્ત્રધારી પ્રસાદ લઈ રહેલી બહેન-દિકરીઓના સમૂહથી ભરચક ટેકનીકલર દેખાતું મેદાન એ નજારો અવર્ણિય હતો. અહીં એક જલારામબાપાના ચમત્કાર જેવી એક વાત કરવી છે. ૧૫૨૬ ગોઈણી અને યજમાન પરિવારને પાસ આપી ૨,૫૦૦ માણસો માટે ભોજન વ્યવસ્થા કરી હતી પણ ભોજન સમયે દર્શનાર્થીના ટોળા જાેતાં આયોજકોને લાગ્યું કે જલારામબાપા આંગણામાં તે વળી ભોજન પાસ હોતા હશે ? પાસ પ્રથા એકાએક રદ કરી. ર૫૦૦ની જગ્યાએ ૬૦૦૦ માણસો સંતોષથી જમ્યા. ૧૫૨૬ ગોઈણીને બદલે ૨૦૦૦ ગોઈણીઓને થેલી ભરીને લ્હાણી આપી. સાંજના ૪ થી ૭ બહેનોએ માતાજીના ગરબાની એવી તો રમઝટ બોલાવી કે રાંદલમાંના દરબારમાં તેના પડઘા ગુંજવા લાગ્યા, જાણે કે ખુદ માવડી સાત સાત ઘોડે પે સવાર હોકર એ સત્સંગ હોલમાં હજારાહજુર થઈ હોય તેમ બહેનો-દિકરીઓ, માતાઓ ગાંડી બની,માતાજી સાથે ઘોડા ખુંદી રહી હોય એવી અનુભૂતિ સૌને થતી હતી. ડ્રમ વાદનના નોશીલા નાદ સાથે ૨૧૮ દિવડાની સંધ્યા આરતીના વર્ણન માટે શબ્દો જ સુઝતા નથી, મંદિરના ગર્ભઘ્વારથી માંડીને છેક દરવાજા સુધીની ખીચોખીચ ભરાયેલી જનમેદની, શ્રધ્ધાથી ઉભરાતી બહેનો, ધૂણી રહેલી ભૂઈ માંઓ, નભોમંડળથી જાણે કે તારા મંડળ ધરતી ઉપર ઉતરી આવ્યું છે તેવો નઝારો, સતત ગુંજી ઉઠતા જય રાંદલમાના જયનાદ, માંની ભકિતનું ઘોડાપુર ઉભરાતો એ ધર્મપરાયણ માહોલ્લ, સૌના અંતરમાં ઉછળતો આનંદ, આવડો મોટો જનસમુદાય પોતાનું અસ્તિત્વ ભૂલી જઈ અભિભૂત બન્યે જતો હતો. પ્રસંગ પૂર્ણ થયે, મેનેજિંગ ટ્રસ્ટી, પ્રો. પી.બી. ઉનટકટે આભાર દર્શનમાં, બહેનોને સંબોધીને જણાવ્યું કે આ આખાયે અવસરને માત્ર બહેન-દિકરીઓની અખૂટ શ્રધ્ધા, ભરચક હાજરી અને ધમધમતા ઉત્સાહ-ઉમંગથી જ આટલો દેદિપ્યમાન બન્યો છે. અહીંયાં ઉપસ્થિત તમામ માતા, બહેનો, દિકરીઓના પ્રસન્ન વદનમાં અમોને સાક્ષાત રાંદલમાંના દર્શન થાય છે. છેલ્લે આવી પ્રચંડ ધર્મઘેલી મેદનીએ ફમશઃ લાઈનમાં ઉભા રહીને જે શિસ્તબંધ દર્શન કર્યાં તે પણ જરૂર ઉલ્લેખનિય છે. સામાન્ય રીતે આવડાં મોટા ધાર્મિક મેળવડામાં ધકામૂકીના દશ્યો સર્જી, અંધશ્રધ્ધાળુઓમાં ખપી જવાતું હોય છે તે અહીંયા બન્યું નથી તેનો મહા સંતોષ છે.

error: Content is protected !!