પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અન્યત્ર મંજૂરી મેળવીને ટાપુ પર રોકાયેલા શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં અનેક નિર્જન ટાપુ આવેલા છે. જે પૈકી જુદા જુદા 21 ટાપુઓ પર લોકોને આવવા-જવા પર સક્ષમ અધિકારી દ્વારા સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે ફિશિંગ બોટ મારફતે ઓખાના ખારા મીઠા ચુસણા ટાપુ પાસેથી ગેરકાયદેસર રીતે ઘુસી આવેલા સલાયાના રહીશ એવા આઠ શખ્સોને ઝડપી લઇ અને જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેશના પશ્ચિમના છેવાડાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ દરિયા કિનારામાં આંતરિક તેમજ દરિયાઈ સુરક્ષાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જે માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા દરિયાઈ કિનારા વિસ્તારમાં ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ખારા મીઠા ચૂસણા ટાપુ પાસે પહોંચતા અહીં “ગોપ બોરીશા” નામની ચોક્કસ રજીસ્ટ્રેશન નંબરની એક ફિશીંગ બોટ દ્વારા ટાપુ પાસેના દરિયાના પાણીમાં ફિશિંગ ઝાળ બિછાવવામાં આવી હતી. ટાપુના કાંઠા વિસ્તારમાં લાંગરવામાં આવેલી ફિશિંગ બોટ નજીક કોઈપણ શખ્સ જોવા મળ્યો ન હતો. આથી પોલીસ સ્ટાફ દ્વારા ટાપુ પર જઈ અને ચેકિંગ કરવામાં આવતા અહીં આઠ શખ્સો મળી આવ્યા હતા.
આ સ્થળેથી સલાયામાં રહેતા અને ઉપરોક્ત બોટના માલિક તવશીન જુનસ સંઘાર, અશગર જુનસ સંઘાર, હારુન કાસમ સુંભણીયા, ફયાઝ દાઉદ ચબા ગની રજાક ગંઢાર, ઇમરાન દાઉદ ગાઝીયા, સાબીદ સલેમાન ઓસમાણ સુંભણીયા અને હસન મામદ સંઘાર નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
પોલીસ પૂછતાછમાં ઉપરોક્ત શખ્સો દ્વારા ફીશરીઝ વિભાગ પાસેથી માછીમારી કરવા માટે સલાયા નજીક આવેલી બારા જેટી સિવાય અન્ય જગ્યાએ ટાપુ નજીક બોટનું લેન્ડિંગ કરવું પ્રતિબંધિત હોવા ઉપરાંત ટાપુ પાસે બોટ લાંગરવાની અને ટાપુની જમીન ઉપર ઉતારવા માટેની કોઈ સુવિધા ન હોય તેમ છતાં ઉપરોક્ત શખ્સો અહીં પહોંચી ગયા હતા. આ નિર્જન અને ખડકાળ ટાપુ પર લેન્ડિંગ કરવાથી બોટ અકસ્માત થવાની સંભાવના તેમજ માનવ જીવને જોખમ હોવા છતાં ઉપરોક્ત શખ્સો દ્વારા બેદરકારીપૂર્વક ટાપુ નજીકની જમીન પર બોટ લાંગરી અને જીવના જોખમે અહીં ઉતરાણ કરાયું હતું.
ઓખા મરીન પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ સમગ્ર બાબત પ્રકાશમાં આવતા મરીન પોલીસે ઉપરોક્ત તમામ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પ્રકરણમાં ટાપુ પર રોકાણ કરવા અંગેના હેતુ બાબતની તપાસ હાથ ધરી, ભવિષ્યમાં આ રીતે પ્રતિબંધિત ટાપુ પર ગેરકાયદેસર રીતે પ્રવેશ અને દબાણ કરતા શખ્સો સામે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મરીન નેશનલ પાર્ક – દ્વારકા વિભાગ તેમજ ફિશરીઝ વિભાગને સાથે રાખીને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ વધુમાં જણાવાયું છે.
આ સમગ્ર કાર્યવાહી દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરુ તેમજ સ્ટાફના કનુભાઈ ચાવડા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રણવીરસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ વનરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.