ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વાહન ચોરી, ચીલ ઝડપ તેમજ લૂંટ જેવા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા કાયદાનો ભંગ કરનારા શખ્સો સામે ધાક બેસાડવા અંગેની કાર્યવાહીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા પી.એસ.આઈ. એમ.આર. બારડ, આઈ.આઈ. નોયડા તથા ડી.જી. પરમાર અને સ્ટાફ દ્વારા અહીંના જાેધપુર ગેઈટ, નગર ગેઈટ, ચાર રસ્તા, નવાપરા વિગેરે વિસ્તારો ઉપરાંત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાહન ચેકિંગ તેમજ પીધેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ ઝુંબેશથી કાયદો હાથમાં લેનારા શખ્સોમાં ફફડાટની લાગણી જાેવા મળી હતી.