સોમનાથ-પ્રભાસ-પાટણ ખાતે સ્વામિજી અને સંતોના પ્રેરક સત્સંગ સભા સાથે દિવ્ય શાકોત્સવ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયો હતો. સત્સંગ સભાને સંબોધતા પ્રેમસ્વરૂપદાસ સ્વામિ શાસ્ત્રીજીએ જણાવ્યું કે, શાકોત્સવની પરંપરા એ કેવળ ખાવા માટે નહી પરંતુ ભગવાનને મેળવવા સ્વાસ્થ્ય કેમ સારૂ રહે તે માટે છે. આ પરંપરા આજથી ર૦૦ વર્ષ પૂર્વે સ્વયં ભગવાન સ્વામિનારાયણે શરૂ કરી હતી અને બાજરીના રોટલાને સ્વહસ્તે બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું તે સમયે સૌરાષ્ટ્રના લોયા ગામ ખાતે ૧૮ મણ ઘી અને ૬૦ મણ રીંગણાનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. શાકાહારથી આરોગ્ય માટે શિયાળામાં મહત્વનું હોય છે તેવી જ બાજરામાં વિશેષ શક્તિ ઉર્જા આપે છે. ધર્મ-પર્યાવરણ-આરોગ્યનું આ ઉત્સવનું મહત્વ છે. ડી.કે. સ્વામિએ આવેલા સૌ ભક્તોનું સ્વાગત કર્યું અને શાકોત્સવનું મહત્વ સમજાવ્યું હતું. ભક્તિપ્રસાદ સ્વામિજીએ સહયોગ આપનાર તમામ હરિભક્તો, ટ્રસ્ટીઓ અને સ્વામિજીના યોગદાનને યાદ કરી ધર્મ-ભક્તિ કાર્ય સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળ આચાર્ય સહિત તમામ સ્ટાફ તથા ભક્તજનોએ ખડેપગે સેવાઓ બજાવી અને શાકોત્સવની દિવ્ય પ્રસાદી લઈ કાર્યક્રમ સંપન્ન થયો હતો.