કાળવા ચોકમાં આવેલા જય ગિરનાર ખમણના ગોડાઉનમાં ગેસ સિલીન્ડર ફાટતા આગ લાગી

0

ફાયરબ્રિગેડની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો

જૂનાગઢમાં કાળવા ચોકમાં આવેલા જય ગિરનાર ખમણના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢમાં કાળવા ચોકમાં વિશાલ ટાવર પાછળની સાંકડી શેરીમાં આવેલ જય ગિરનાર ખમણના ગોડાઉનમાં મોડી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. સિલિન્ડર બ્લાસ્ટનો અવાજ ૩૦૦ મીટર સુધી સંભળાયો હતો. મોડી રાત્રે દોઢથી પોણા બે વાગ્યાની વચ્ચે ખમણના ગોડાઉનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો હતો જેનો અવાજ સાંભળીને લોકો ગરમી બહાર દોડી આવ્યા હતા. પ્રચંડ ધડાકા સાથે ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી અને જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના સ્ટાફે સાંકડી શેરીમાં ગોડાઉન આવેલ હોવાથી આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. રહેણાંક વિસ્તારમાં આગની દુર્ઘટનાથી રહીશો ભયભીત થઈ ગયા હતા. દરમ્યાન ચીફ ફાયર ઓફિસર દિપક જાનીએ જણાવ્યું હતું કે, વિશાલ ટાવર પાછળની સાંકડી શેરીમાં આવેલ જય ગિરનાર ખમણના ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાની જાણ રાત્રિના ૨.૩૩ કલાકે થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. ૨૫૦૦ પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમતના અંતે આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાથી ગોડાઉનમાં રહેલ સામાન ખાખ થઈ ગયો હતો. દરમ્યાન મહિલા પીએસઆઈ વી.એલ. લખધીરે જણાવ્યું હતું કે, શહેરમાં નાઈટ પેટ્રોલિંગ વખતે જય ગિરનાર ખમણના ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાની સાથે આગ લાગી હોવાની જાણ રાત્રિના દોઢ થી પોણા બે વાગ્યાની વચ્ચે થતા તુરત જ પહોંચ્યા હતા. આસપાસનો વીજ પુરવઠો બંધ કરી ફાયર બ્રિગેડની મદદથી આગ બુજાવવામાં આવી હતી. ઘટના વખતે ખમણના ગોડાઉનમાં ગેસના ૫ થી ૬ જેટલા કોમર્શિયલ સિલિન્ડર હતા. જાેકે એક જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ગોડાઉન માલિકે કાર્યવાહી કરવાનો ઇન્કાર કર્યો હતો. તાત્કાલિક કામગીરીથી સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ કે ઇજા થઈ ન હતી.

error: Content is protected !!