જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણા વસિયા, ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ સેન્ટરની લીધી મુલાકાત : કૃષિ યુનિવર્સિટી ખાતે ચાર બ્લોક કાઉન્ટિંગ માટે તૈયાર કરાયા
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ છે. મતદાન બાદ મતગણતરી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની એન્જિનિયરિંગ કોલેજ બિલ્ડિંગમાં થવાની છે. રાજય ચૂંટણી આયોગના માર્ગદર્શનમાં અને ચૂંટણીની વિવિધ જાેગવાઈઓની અમલવારી સાથે નિયમ અનુસાર મતગણતરી ની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જુનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રાઉન્ડ ધ કલોક કામગીરી ચાલી રહી છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મત ગણતરીની કામગીરીની અંગેની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જાે વાત કરવામાં આવે મતગણતરી સેન્ટરની તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ બિલ્ડીંગ માં કુલ ચાર બ્લોક કાઉન્ટિંગ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નંબર એક થી ચાર, વોર્ડ નંબર ત્રણ થી આઠ, વોર્ડ નંબર નવ થી અગિયાર, અને વોર્ડ નંબર બારથી પંદર એ રીતે ચાર બ્લોકમાં મતગણતરી મહત્તમ ૧૪ રાઉન્ડ રાખી શકાય એ રીતે થવાની છે. તા.૧૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે થી મત ગણતરી થશે સૌપ્રથમ પોસ્ટલ બેલેટ પેપર અને સાથે ઇવીએમ ના મતોની ગણતરી નિયુક્ત સ્ટાફ દ્વારા કરવામાં આવશે. એક ટેબલ ઉપર ચાર કર્મચારી રહેશે. મતગણતરી સેન્ટર ઉપર પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટિંગ રૂમ સુધીની અવર-જવર તેમજ જરૂરી દેખરેખ મોનિટરિંગ અને બંદોબસ્ત, મિડિયા રૂમ સહિત તમામ મુદ્દા ઉપર કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી હતી અને મતગણતરી સ્થળની મુલાકાત પણ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ લીધી હતી. આ વેળાએ ઇન્ચાર્જ એસપી શ્રી ભગીરથસિંહ જાડેજા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેકટર એન .એફ.ચૌધરી અને જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના જૂથ પ્રમાણે ચાર ચૂંટણી અધિકારી(આર.ઓ) ઉપસ્થિત રહ્યા હતા.