વિસાવદર તાલુકાના રૂપાવટી ગામની ગુમ થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલી નાખતી પોલીસ

0

પરણીતાના પ્રેમમાં પડેલા યુવકે તેનો પીછો છોડાવવા પથ્થરો મારી મોતને ઘાટ ઉતારી કુવામાં ફેંકી દીધી હોવાની સનસનીખેજ વિગતો

મર્ડર મિસ્ટ્રીના બનાવો અંગે ફિલ્મોમાં અવાર-નવાર કથાઓ કંડારેલી હોય છે અને એકથી એક ચડીયાતા બનાવો થતા હોય છે ત્યારે ફિલ્મસ્ટોરીની માફક વાસ્તવિક જીવનમાં પણ આવો જ એક હત્યાના ગુંચવાળા ભર્યો બનાવ બનવા પામેલ. આજથી એક વર્ષ પહેલા વિસાવદર તાલુકાના રૂપાવટી ગામની એક પરણીત મહિલા ગુમ થઈ હતી. આ બનાવની જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ ગુમ થયેલી મહિલાની હત્યા કરી નાખવામાં આવી હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી હતી. જૂનાગઢની ક્રાઈમ બ્રાન્ચે હત્યાના ભેદને ઉકેલી નાખી અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે વિગત અનુસાર,

વિસાવદરના રૂપાવટી ગામમાં સવા વર્ષ પહેલા ગુમ થયેલી પરિણીતાનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. ગુમ મહિલાના પતિએ 2024માં 27 માર્ચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં કહ્યું હતું કે તેની પત્ની સોનાના દાગીના અને રોકડ રકમ સાથે ગુમ થઈ છે. જોકે, એ ગુમ થઈ ન હતી, તેની હત્યા કરાઈ હતી. ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એ રીતે હત્યા તેના પ્રેમીએ કરી હતી.

3 ફેબ્રુઆરીએ હાર્દિકે અમરેલીના બગસરા તાલુકાના હડાળા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટ પાસે પરિણીતાની માથું ફોડી નાખી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને કુવામાં ફેંકી દીધી હતી. પ્રેમિકાએ લગ્નની જીદ કરતા પ્રેમીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ત્યારે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

પરિણીતાને ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ ગત વર્ષે 27 માર્ચે મૃતક દયાબેનના પતિ વલ્લભ સાવલીયાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, તેમની 35 વર્ષીય પત્ની દયાબેન ઘરેથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઈને ગુમ થઈ ગઈ છે. દયાબેનના 11 વર્ષના પુત્રને ધ્યાનમાં રાખીને પોલીસે આ કેસને પ્રાથમિકતા આપી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દયાબેનનો તેના જ ગામના હાર્દિક ધીરૂભાઇ સુખડીયા સાથે પ્રેમસંબંધ હતો. ટેક્નિકલ સોર્સ અને બાતમીદારોની માહિતીના આધારે હાર્દિક મુખ્ય શંકાસ્પદ બન્યો હતો.

પરિણીતાને રાહુલ સાથે પ્રેમસંબંધ હોવાની આરોપીએ સ્ટોરી ઘડી પોલીસની પૂછપરછમાં હાર્દિકે દાવો કર્યો હતો કે દયાબેનને રાહુલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બનાવ જાહેર થયા બાદથી હાર્દિકે મોબાઇલ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. ગાંધીનગર FSL કચેરીમાં હાર્દિકનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેની મજબૂત માનસિકતાને કારણે તે કોઈ માહિતી આપવામાં સફળ રહ્યો ન હતો. આ કેસ પોલીસ માટે ખૂબ જ પડકારજનક સાબિત થયો હતો. દયાબેન પાસેથી 9.37 લાખના સોનાના દાગીના અને 30 હજાર રોકડ રકમ લઈને ગઈ હતી.

સાયકોલોજીકલ ટેસ્ટમાં પણ ન પકડાયો તપાસ દરમિયાન શંકાની સોય હાર્દિક સુખડીયા તરફ જતી હતી. આરોપીએ છેલ્લા એક વર્ષથી મોબાઇલ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. FSL ખાતે કરાવેલા મનોવૈજ્ઞાનિક ટેસ્ટમાં તે શંકાસ્પદ ન જણાતા કેસ વધુ ગૂંચવાયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ અને સાંયોગિક પુરાવા એકત્ર કર્યા. યુક્તિપૂર્વક પૂછપરછ અને પુરાવા રજૂ કરતાં આરોપી ભાંગી પડ્યો હતો. તેણે કબૂલ્યું કે 3 ફેબ્રુઆરી 2024ના રોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટ પાસેના કુવા નજીક દયાબેનની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી હતી.આ કેસમાં આરોપી હાર્દિકે પ્રેમ પ્રકરણથી કંટાળીને દયાબેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

આરોપીએ પરિણીતાને તેની પૂર્વપત્નીના આઈકાર્ડથી હોટલમાં રાખી ગત તા. 2 જાન્યુઆરી 2024ના રોજ દયાબેન ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. આરોપી હાર્દિકે પૂર્વ પત્નીના આઈકાર્ડનો ઉપયોગ કરી કાગવડ હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. આરોપીએ પોતાના અને મૃતક દયાબેનના મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા. તેણે ફ્રી કોલિંગ એપની મદદથી ખોટા નંબર જનરેટ કરી, પોતાની ઓળખ રાહુલ તરીકે આપી હતી. આરોપીએ મૃતક દયાબેનના પરિવારને જણાવ્યું કે, દયાબેન ઘરકંકાસથી કંટાળીને જતા રહ્યા છે.

સ્ટોરી ઘડી કે રાહુલે અન્ય સાથે મળી તેના પર હુમલો કર્યો તા. 3 જાન્યુઆરી 2024ના રોજ આરોપીએ એક ફિલ્મી વાર્તા ઘડી કાઢી હતી. તેણે કહ્યું કે દયાબેન રાહુલ નામના યુવક સહિત બે છોકરાઓ સાથે મોટા કોટડા ગામ નજીક મળ્યા હતા અને તેમણે હુમલો કર્યો હતો. આરોપીએ પોતાના મિત્ર મુકુંદ કાપડિયાને પણ ખોટી વાર્તા કહી હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. પટેલ અને તેમની ટીમે આ કેસનો ભેદ ઉકેલ્યો છે. આરોપીએ એક વર્ષ સુધી પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા માટે અલગ-અલગ વાર્તાઓ ઘડી કાઢી હતી.

પોલીસે કુવામાંથી કંકાલ કાઢ્યું જ્યારે પોલીસે આરોપી હાર્દિક સુખડિયાને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ કરી હતી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળાથી ખારી તરફ જતા રસ્તે હડાળા ગામની સીમમાં પોલીસ પહોંચી હતી. ત્યાં સોલાર પ્લાન્ટ આગળ પડતર જગ્યામાં કુવા પાસે લઇ દયાબેનનું જે જગ્યાએ મોત નિપજાવી લાશને કુવામાં ફેકી દીધી હતી, તે જગ્યાએથી કંકાલ કાઢી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.

પોલીસે તપાસ કરી કેસને સોલ્વ કરી બતાવ્યો જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સપેકટર જે.જે.પટેલની ટીમે અલગ-અલગ એંગલથી તપાસ કરી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ વિજય બડવા, સામત બારીયા, યશપાલસિંહ જાડેજા અને દિવ્યેશ ડાભીની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

error: Content is protected !!