ગિરનાર દિવ્ય ચેતનાનું એવું કેન્દ્ર છે કે જેના તરફ સદીઓથી દેશ-વિદેશના લોકો સતત આકર્ષાતા રહ્યા છે
એક સમયે બરડો અને ચોટીલાનો પર્વત ગિરનારની ટેકરીઓ હતી. સદીઓ પહેલા રૈવતાંચલ તરીકે પુરાણ પ્રસિદ્ધ ગિરનાર પર્વત ફક્ત એક પર્વત જ નથી એ આપણી સનાતન સંસ્કૃતિનો અનેરો આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો છે. વિશ્વના સૌથી પુરાણા ગ્રંથોમાં એક મનાતા ઋગ્વેદ ઉપરાંત રામાયણ અને મહાભારતથી લઈને અનેક પુરાણોમાં ગિરનારનો ઉલ્લેખ છે. જ્યાં સાધના એક પરંપરા જ નહી આધ્યાત્મની એક અનેરી ઉર્જા તરીકે અહીં પ્રસ્થાપિત થઈ છે. તેવા આ પુરાણા પર્વતની ફક્ત ધર્મની દ્રષ્ટિએ જ નહી જીવશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, ભૌગોલિક બાબતે અને લોક મહોત્સવની દ્રષ્ટિએ અનેરૂ મહત્વ સદીઓથી જેમનું તેમ જળવાયેલું પડ્યું છે. જૂનાગઢ શહેરને વાંચતું કરવા માટે શાપુર ગામ સ્થિત ટીનુભાઈ ફડદુની વાડી ખાતે યોજાયેલ બેઠકમાં કાર્યરત બનેલ મુક્તધારા ફાઉન્ડેશન સંસ્થા હેઠળ ચાલતા વાંચન વલોણુંના ઉપક્રમે યોજાયેલ બુક ટોક કાર્યક્રમમાં “ગિરનાર એકમાત્ર પર્વત નથી, એ એક ચેતના ભૂમિ છે” તે વિષય પર ગતરોજ જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ ખાતે યોજાયેલ વાર્તાલાપમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.વિશાલ જાેષીના આ શબ્દો હતાં. તેમણે છેક વેદકાળથી અત્યાર સુધીમાં આ પ્રાચિન પર્વત વિશે લખાયેલી વાતોથી માંડી આ પર્વતની ગુફાઓ, ગિરીકંદરાઓ અને આજુબાજુ પ્રસરેલા ગાઢ જંગલમાં સચવાયેલી પડેલી સિદ્ધ ચેતનાને આ દિવ્ય ભૂમિની એક વિશિષ્ટ ઉર્જા ગણાવી આ ચેતના આજે પણ સમગ્ર માનવ જીવનને દિવ્ય દ્રષ્ટિ આપતી હોવાનું જણાવ્યું હતું. તેમણે ગિરનારની વિશેષતાઓ, આધ્યાત્મ અને આધ્યાત્મિક ચેતના તેમજ સાધના અને સાધકોને તથા એક સામાન્ય માણસના જીવનમાં ગિરનારના યોગદાનને ઉપરાંત ભારતની આઝાદીમાં ગિરનારના સંતોની વાતો ખુબ જ સરળ શૈલીમાં રજુ કરી હતી. ગિરનાર એક ધર્મસ્થળ તો છે જ, અહીં સદીઓની સાધનાથી સ્થિર થયેલી આધ્યાત્મિક ઊર્જા કાયમ સૌરાષ્ટ્રને જ નહી પુરા ભારત અને વિદેશના લોકોને પણ આ સ્થળે ખેંચી લાવે છે. આ સ્થાન સાધનાની સદીઓની એવી દિવ્ય ભૂમિ છે જે ભૂમિનો ઉલ્લેખ ૠગ્વેદ કાળ, રામાયણ, મહાભારત કાળથી માંડી સ્કંદપુરાણ સહિત અનેક પુરાણોમાં પણ થયેલો છે. બુક ટોકના આ કાર્યક્રમમાં વાંચન વલોણું સંસ્થાના સભ્યો પ્રો.એલ.વી.જાેષી, વિરેન્દ્રભાઈ ભટ્ટ, ડો.માતંગ પુરોહિત, ભાવેશભાઈ જાદવ તેમજ જનકભાઈ પુરોહિત, નાગભાઈ વાળા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પુસ્તકોની પરિક્રમા સાથે પૂજન કરાયું
જિલ્લા શિક્ષણ અને તાલીમ વન જૂનાગઢ દ્વારા ગત તા.૧૦ અને ૧૧ ના રોજ બે દિવસીય પુસ્તક પરિક્રમા અને પુસ્તક પરિસંવાદ કાર્યશાળા એક વિશેષ પ્રયોગરૂપે યોજાઈ હતી. જેમાં જિલ્લાના દરેક તાલુકામાંથી ૪ સી.આર.સી.કો.ઓ. મિત્રો તેમજ ડાયેટની બી.એલ.એડ. તાલીમાર્થી બહેનો મોટી સંખ્યામાં જાેડાયા હતાં. પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિધાર્થીઓ પુસ્તક વાંચન તરફ વળે તેવા ઉદ્દેશથી યોજાયેલ આ કાર્યશાળામાં તાલીમાર્થી બહેનો દ્વારા તાલીમ ભવનના પટાંગણમાં ગોઠવાયેલા પુસ્તકોની પરિક્રમા ઉપસ્થિત તમામ દ્વારા કરવામાં આવી હતી તેમજ આ પુસ્તકોનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ડાયેટના પ્રાચાર્ય એ.ડી.રાજ્યગુરૂ, લેક્ચરર અને વાંચન વલોણું સંસ્થાના સભ્ય ભરત મેશીયા તથા વનરાજ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.