સોમનાથ ખાતે તા.૧૮ માર્ચથી ૨૧ માર્ચ દરમ્યાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે

0

બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ : ૨૦૩૬માં યોજાનાર ઓલિમ્પિક સ્પર્ધાની પૂર્વ તૈયારી રૂપે સોમનાથ ખાતેથી સ્પોર્ટ્સ ઈવેન્ટની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાથી થશે : જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તા.૧૮ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૨૫ સુધી ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર પાસેના મારૂતિ બીચ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ સાથે જિલ્લાકક્ષાનું યોગ્ય સંકલન જળવાય અને બીચ સ્પોર્ટ્સ ઈવેન્ટ સારી રીતે યોજાય તેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઈન્દ્રજીતસિંહ વાળાની ઉપસ્થિતિમાં પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નોડલ અધિકારીઓ વચ્ચે સંકલન થકી સંપૂર્ણ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કાર્યક્રમનું સંકલન અને મોનિટરિંગ સુવ્યવસ્થિત થાય તે સુનિશ્ચિત કરવા સાથે ટ્રાન્સપોર્ટેશન, પાર્કિંગ વ્યવસ્થા, રસોઈ સ્થળ, પાણીના ટેન્કર્સ, આરોગ્ય વ્યવસ્થા સહિતની બાબતોની વિસ્તારથી ચર્ચા કરી અને પી.જી.વી.સી.એલ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિત સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં. ગીર સોમનાથના આંગણે બીચ સ્પોર્ટ્સ યોજાવાનો છે ત્યારે જિલ્લા તરફથી સુનિયોજીત વ્યવસ્થા જળવાય તે માટેની કાળજી અને દરકાર લેવા માટે કલેક્ટરએ અધિકારીઓને ઉપયોગી સૂચનો કર્યા હતાં. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઈન્દ્રજિતસિંહ વાળા અને જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયાએ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના આયોજન અંગે રૂપરેખા આપી એથ્લીટ્સ માટેની ટ્રાન્સપોર્ટેશન, રહેઠાંણ સહિતની કાર્યક્રમને લગતી આનુષાંગિક વ્યવસ્થાઓ વિશે ઉપસ્થિત સર્વેને અવગત કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની બીચ હેન્ડબોલની ૮૪ ટીમ અને બીચ વોલીબોલની ૨૦૫ ટીમ મળી કુલ ૧૮૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈ અને પોતાનું રમત કૌશલ્ય દાખવશે.

error: Content is protected !!