પરીવારથી વિખૂટાં પડેલ અસ્વસ્થ મહિલાનું પરીવાર સાથે પુન:મિલન કરાવતું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું “સખી-વન સ્ટોપ સેન્ટર”

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલી કમિટીની દેખરેખ હેઠળ ૨૪×૭ કાર્યરત આ સેન્ટરમાં આવતી મહિલાઓને હંગામી આશ્રય, કાઉન્સેલીંગ, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ છત નીચે પુરી પાડવામાં આવે છે. હોળી પર્વના પ્રસંગે અનેક ભાવિકો ચાલીને દ્વારકા પ્રવાસ કરતા હતા તે દરમ્યાન ભાણવડ નજીક ફતેપુર પાટીયા પાસે રાત્રીના સમયે એક અજાણી મહિલા રસ્તા ઉપર બેસેલ અને ગભરાયેલ હોઈ કોઈ જવાબ ન આપતા હોવાથી પદયાત્રાળુઓએ ભાણવડ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈને કરેલ પૂછપરછ દરમ્યાન પણ કોઈ પ્રતિભાવ મળેલ ન હતો. રાત્રીનો સમય હોવાથી સુરક્ષાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા મહિલાને વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે મૂકવામાં આવેલ હતાં. ભાણવડ પોલીસ દ્વારા મહિલાના પરીવારની શોધખોળ કરાતાં બીજા દિવસે સફળતા મળેલ અને મહિલાના પરિવારના સભ્યોને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યાં હતાં.જ્યાં તેઓની પરસ્પર ઓળખ રજૂ કરાયા બાદ તેઓ તેમના પતિ અને સંબંધીઓ સાથે સેન્ટર પરથી રવાના કરવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા જણાવવામાં આવેલ કે તેઓ મૂળ ઓરીસ્સાના વાતની છે અને તે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી વારંવાર કોઇને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જાય છે અને પછી અજાણ્યા લોકો સાથે વાત કરવામાં ગભરાઇ જાય છે. સેન્ટરનાં કર્મચારીઓ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પુનર્મિલન કરાવવા માટે તથા સમયસર આશ્રય અને કાઉન્સેલિંગ માટે મહિલાનાં પરિવારે પોલીસ તથા વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. આમ, પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરનાં સહિયારા પ્રયાસો દ્વારા પરીવારથી વિખૂટાં પડી ગયેલ મહિલાનું પરીવાર સાથે પુન:મિલન કરાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!