ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષનો એક તરૂણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂ સંપમાંથી તેનો મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા મચી જવા પામી છે. આ અંગેની વિગત એવી છે કે ખંભાળિયાના પોર ગેઈટ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના એક સંપમાં ગતરાત્રીના સમયે એક મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસ સ્ટાફ તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા આ સ્થળેથી મૃતદેહને બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ મૃતદેહને આ સ્થળેથી બહાર કઢાવી અને પોસ્ટમોર્ટમ અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મુદ્દે અહીંના સફાઈ કર્મચારી અગ્રણી રમેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે ખંભાળિયાના શાંતિનિકેતન વિસ્તારમાં રહેતા વાલ્મિકી સમાજના અનિલભાઈ વાઘેલાનો ૧૬ વર્ષનો પુત્ર કેતન આજથી આશરે ત્રણ ચાર દિવસ પૂર્વે લાપતા બન્યો હતો. જેનો મૃતદેહ પોર ગેઈટ વિસ્તારમાંથી મળી આવ્યો છે. જેને પેનલ પી.એમ. માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. આ યુવાનની આત્મહત્યા છે કે હત્યા તે મુદ્દે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ વધુ વિગતો પ્રકાશમાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે પણ આ મુદ્દે જરૂરી તપાસ આરંભી છે. ત્યારે ૧૬ વર્ષના તરૂણના મળી આવેલા આ મૃતદેહ સંદર્ભે શહેરમાં ભારે ચર્ચા સાથે મૃતકના પરિવારજનોમાં આક્રંદની લાગણી પ્રસરી જવા પામી છે.