પોલીસ બેડામાં શોક સાથે નગરજનોમાં આઘાતની લાગણી
દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ કરૂણ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ મથકના પી.એસ.આઈ. નારાયણભાઈ દેવજીભાઈ કલોતરા કે જેઓ હાલ દ્વારકા પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હતા, તેઓ ગઈકાલે બુધવારે તેમની ફરજ બાદ ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોવાળિયા ધામના રૂમ નંબર ૨૦ માં સુતા હતા. આ પછી તેમને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા મોબાઈલ ફોન કરીને ઉઠાડવામાં આવતા તેઓ ઉઠ્યા ન હતા. જેથી તેમના રૂમનો દરવાજાે ખોલાવીને અહીં જાેતા પલંગ પર તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. જેથી તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે દ્વારકાના પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજાએ દ્વારકા પોલીસમાં જાણ કરતા પોલીસે જરૂરી નોંધ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે થોડા સમય પૂર્વે તેઓ ટ્રાફિક પી.એસ.આઈ.ની નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છે અને તેઓ સારી એવી નામના પણ ધરાવી ચૂક્યા છે. ત્યારે તેમના અકાળે નિધનથી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મૃતક પોલીસ અધિકારી એન.ડી. કલોતરાને અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓએ કર્મચારીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.