આ નબળા બાંધકામ મામલે રાજ્ય શિક્ષણ મંત્રીએ જૂનાગઢ એસેટ વિભાગના પ્રોજેક્ટ ઈજનેરને આપી શો-કોઝ નોટિસ : આ પ્રકારનું નબળું કામ કરતી એજન્સી અને કોન્ટ્રાક્ટરને બોધપાઠ મળે તેવો હુકમ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી : ગુજરાતની કોઈપણ શાળાના બાંધકામની ગુણવત્તા પર ઢીલ લેનારા સામે કડક કાર્યવાહી થશે : રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને તા.૧૯-૩-૨૦૨૫ના ગ્રાઉન્ડ ફલોરના સ્લેબનું કાસ્ટીંગના બીજા દિવસે બાંધકામની ગુણવત્તા વિશે ગ્રામવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાને સીધી ફરિયાદ કરતા મંત્રીએ તાત્કાલિક સમગ્ર શિક્ષા કચેરી અને સંબધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. મંત્રીની ટેલિફોનિક આજ્ઞા ઉપર જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર, ટીઆરપી, એજન્સીના પ્રતિનિધિઓએ તેજ દિવસે રાત્રે ૮:૩૦ કલાકે સ્થાનિક આગેવાનો સાથે શાળાના વર્ગખંડની સ્થિતિની સમીક્ષા કરી. તપાસ દરમ્યાન બાંધકામની ગુણવત્તા અસંતોષકારક જણાતા, શિક્ષણમંત્રીએ તુરંત ૨ (બે) વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નાખવાનો અને નવું બાંધકામ શુરૂ કરવાનો આદેશ આપ્યો. મંત્રીએ વધુમાં જણાવ્યું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કોઈપણ પ્રકારની લાલીયાવાડી નહીં ચાલે. ગુણવત્તા ઉપર ઢીલ લેનારા સામે કડક કાર્યવાહી થશે.” રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે એજન્સીને ૭ દિવસની અંદર સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા તેમજ તોડફોડ દરમિયાન સલામતીની સંપૂર્ણ તકેદારી રાખવા અને કામગીરીની ફોટોગ્રાફ્સ સાથે અહેવાલની નોંધ લઈ ગાંધીનગર કચેરીમાં રજૂ કરવા જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીએ શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પારદર્શિતા અને જવાબદારીનો સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણ ઇમારતોના બાંધકામમાં નબળી ગુણવત્તા ચલાવી લેશે નહીં. ગુજરાત રાજ્યની શિક્ષણ સંસ્થાઓના બાંધકામમાં કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેશે નહિ તેમજ શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ સાખી લેવાશે નહિ; તાત્કાલિક સરકાર કાર્યવાહી કરશે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે તે બાબત પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. આવા કિસ્સાઓમાં જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે. અમારો લક્ષ્ય દરેક બાળકને સુરક્ષિત અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.