‘ભગવાનના દર્શન કરવા હોય તો દ્વારકા નહિં વડતાલ જાઓ‘ કથિત લખાણ અંગે વિવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયના ધામિર્ક ગ્રંથમાં વિવાદાસ્પદ મનાતા લખાણના મામલે સનાતનધર્મીઓમાં રોષ : શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતી મહારાજે નિવેદનને વખોડ્યું
દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ કઠોર શબ્દોમાં આ નિવેદનને વખોડતા જણાવેલ કે, સનાતનધર્મીઓએ એકતા દાખવવી જોઈએ અને અંદરોઅંદરના વિવાદને ટાળી વિધર્મીઓ સામે એકજૂથ થવું જોઈએ. હિન્દુ સનાતનધર્મીઓએ ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અશોભનિય ટિપ્પણી કરી નથી ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ સનાતનધર્મના દેવી દેવતાઓ અને આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સામેના ખોટા અને અશોભનિય નિવેદનોથી બચવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લાં વર્ષોમાં એકથી વધુ વખત ધામિર્ક લાગણી દુભાય તેવા કથિત નિવેદન કે બફાટને કારણે વિવાદમાં રહ્યા છે ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ એક ધામિર્ક ગ્રંથમાં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે. તાજેતરનાં વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂતિર્ સદગુરૂશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો‘ નામના પુસ્તકમાં વાર્તા નંબર ૩૩ માં કથિત રીતે જાણે દ્વારકાધીશ ભગવાન પર જ સવાલો ઊભા કરાયા હોય તેમ ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ‘ એવો ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવતાં, જેની સામે સનાતનધર્મીઓમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ છે. સોશ્યલ મીડીયા તથા દ્વારકામાં પણ અનેક હિન્દુ સનાતનધર્મી સંતો મહંતો આગેવાનો તથા સ્થાનીકોએ જાહેરમાં આ કથિત નિવેદનની ટીકા કરી રોષની લાગણી વ્યકત કરી છે.