ખેડૂતો પ્રત્યે સંવેદના દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ ‘સ્વાગત’માં રજૂ થતાં ખેડૂતોના પ્રશ્નો અને લાંબાસમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ માટે સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યાં

0

ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં મળેલી ૧૩૧ જેટલી રજૂઆતો સંદર્ભે સંબંધિત કક્ષાએ નિવારણ માટે માર્ગદર્શન-સૂચનાઓ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના સુચારૂ ઉપયોગથી પ્રજાજનોની સમસ્યા-રજૂઆતોના નિવારણ ‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ-૨૦૨૫ના રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીએ સ્વાગતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી અને લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિવારણ ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં લાવી દેવાના સ્પષ્ટ દિશા નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે લોકોમાં જાગૃતિ વધી છે અને વ્યક્તિગત સાથોસાથ જાહેરહિતને લગતા પ્રશ્નો પણ સ્વાગતમાં આવતા થયા છે. તેમણે આ સંદર્ભમાં સંબંધિત તંત્રવાહકોને પણ આવા પ્રશ્નોના નિવારણ માટે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા દિશાનિર્દેશો આપ્યાં હતા. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો-અરજદારોએ પોતાની રજૂઆતો ગુરૂવારે સવારે ૯-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન રજૂ કરી હતી. માર્ચ-૨૦૨૫ના ચોથા ગુરૂવારે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્યાનપૂર્વક સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે તે રજૂઆતો અંગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષની વિડીયો વોલ મારફતે મેળવી હતી. આ રાજ્ય સ્વાગતમાં કુલ ૧૩૧ જેટલી રજૂઆતો મળી હતી તેનું સંબંધિત અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવા માટે સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમો પણ નિયમિતપણે યોજાય છે, તેમાં માર્ચ-૨૦૨૫ના સ્વાગતમાં વિવિધ નાગરિકોની કુલ ૧૦૮૮ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળીને તેના નિરાકરણ માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્યભરમાં તાલુકા કક્ષાએ યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૭૨૪ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળીને તેના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, સચિવ અવંતિકા સિંઘ, ખાસ ફરજ ઉપરના અધિકારી ધીરજ પારેખ તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જાેડાયા હતા.

error: Content is protected !!