માસ્ટર માઈન્ડ શખ્સની ખુલી સિલસિલા બંધ વિગતો : નકલી સ્ટેમ્પ તેમજ ભારત સરકારના બનાવટી દસ્તાવેજાે પણ તૈયાર કર્યા..!! અધિકારીઓ, નેતાઓ સાથે ફોટા પડાવી પોતાનું સન્માન દર્શાવતો…
ખંભાળિયામાં ઉચ્ચ અધિકારીના હોદાની પ્લેટ સાથે ફરતી મોટરકારને પોલીસે શંકાના આધારે ઝડપી લઇ, આ પ્રકરણના માસ્ટર માઈન્ડ એવા જીલ ભરતભાઈ પંચમતીયાની ધરપકડ બાદ રિમાન્ડ દરમ્યાન અનેક ચોંકાવનારી સિલસિલાબંધ વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં આરોપી દ્વારા વિવિધ સરકારી હોદાઓ ધરાવતો હોવાનું જણાવી બોગસ નંબર પ્લેટ, ઓળખ કાર્ડ, લેટરપેડ સાથેનું સાહિત્ય પોલીસે કબજે કર્યું છે. આ ઉપરાંત ચીટર શખ્સ દ્વારા રાજકોટ ખાતે રહેતા એક વિપ્ર પરિવારને વિશ્વાસમાં લઈ, આશરે રૂપિયા અડધા કરોડ જેટલી રકમનું બુચ માર્યું હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી જીલ પંચમતીયા સામે કુલ ૮ એફ.આઈ.આર. નોંધાઈ છે. ખંભાળિયા સાથે સમગ્ર જિલ્લામાં ખાસ કરીને સરકારી કચેરીઓમાં ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણની સિલસિલાબંધ વિગત મુજબ ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતો જીલ ભરતભાઈ પંચમતીયા નામના શખ્સ દ્વારા પોતાની ટેક્સી પાસિંગની મારુતિ સુઝુકી સેલેરિયો કાર નંબર જી.જે. ૦૩ કેપી ૯૧૧૩ માં આગળની તરફ લગાવવામાં આવેલા બોર્ડમાં એડિશનલ કલેકટર એન્ડ એડિશનલ ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ (એડીએમ) (પ્રોબેશન) ની પ્લેટ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત પાછળની બાજુ લાલ કલરની રેડિયમ સ્ટીકર સાથેની પ્લેટમાં આર.એસ.સી એન્ડ એ.ડી.એમ. (પ્રોબેશન) સાથેની પોતાની પ્લેટ વાળી આકાર સંદર્ભે પોલીસ તપાસમાં ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાની પાસે કોઈપણ પ્રકારનો સરકારી હોદ્દો ન હોવા છતાં પણ આ રીતે પોતાના વાહનમાં ક્લાસ વન કક્ષાના અધિકારીના હોદ્દાની પ્લેટ તેમજ ઉપર લાલ લાઈટ લગાવતા પોલીસે આ પ્રકરણમાં ગત તારીખ ૨૨ ના રોજ ધોરણસર ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી. જેમાં પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી જીલ પંચમતીયાના રિમાન્ડ તેમજ તેના રહેણાંક મકાનની ઝડતી તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો પોલીસને ધ્યાને આવી છે. આ ગંભીર ગુના સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા કડક વલણ અખત્યાર કરી અને ગંભીતાપૂર્વકની સધન તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ અગાઉ નોંધાયેલી પ્રથમ ફરિયાદમાં જીલ સાથે અન્ય એક આરોપી કેશા કેતનભાઈ દેસાઈના પિતા એવા મૂળ જૂનાગઢ તાલુકાના બિલખાના વતની અને હાલ શારદાનગર સોસાયટી, યુનિવર્સિટી રોડ રાજકોટના રહીશ કેતનભાઈ રમેશભાઈ દેસાઈ (ઉ.વ. ૫૫) એ અહીંની પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર થયું છે કે તેમના પુત્ર શિવરાજએ જામનગરમાં ફીઝીયોથેરાપીના અભ્યાસક્રમમાં એડમિશન લીધું હતું. ડિસેમ્બર ૨૦૨૩માં જીલ પંચમતીયા શિવરાજ સાથે તેમના ઘરે આવ્યો હતો. તેમની સાથે રહેલી કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ લગાવાયું હતું. અને તે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન છે તેવી ઓળખ આપી હતી. આ રીતે વિશ્વાસમાં લઈને શિવરાજને એમબીબીએસમાં એડમિશન અપાવી દેવા તેણે પ્રથમ તો રૂપિયા ૫૫ હજારની રકમ તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ મેળવી હતી. ત્યાર બાદ મેડિકલ બોન્ડના નામે ૨૭ ડિસેમ્બર ૨૩ ના રોજ રૂપિયા સાડા નવ લાખ અને આ રીતના ટુકડે ટુકડે લાખો રૂપિયાની રકમ મેળવી લીધી હતી. આટલું ઓછું હોય તેમ ઘરના સભ્યો સાથે ગાઢ સંબંધ કેળવી અને કેતનભાઈની પુત્રી કેસાને મામલતદાર કચેરીમાં નોકરી અપાવવા માટે રૂપિયા ૬ લાખ લીધા હોવા સહિતનું જાહેર થયું છે, આમ કેતનભાઈ દેસાઈ સાથે કુલ રૂપિયા ૪૮,૨૨,૬૮૦ ની રકમ મેળવીને છેતરપિંડી આચરવા સબબ જીલ પંચમતીયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ સાથે નોંધાયેલી ફરિયાદમાં ખંભાળિયામાં રહેતા એક જીમના ટ્રેનર તેજસ અશ્વિનભાઈ રામાવતને જીલએ પોતાની એડિશનલ કલેક્ટર અને એસડીએમની ઓળખ આપીને પોલીસમાં ભરતીમાં પી.આઈ.ની નિમણૂક કરાવી આપવાનું કહી તેમજ તેના ભાઈને એડિશનલ કલેકટરના પીએ તરીકેની નિમણૂક અપાવી દેવા અંગે વિશ્વાસમાં લઈ, રૂપિયા ૩૨,૨૦૦ ની રકમ મેળવી લીધી હોવાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે. રિમાન્ડ દરમ્યાન તેના ઘરમાં રાખવામાં આવેલા બે આઈ-કાર્ડ મળી આવ્યા હતા. જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમર્જન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં તેનો સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો હોદ્દો આ આઈ-કાર્ડમાં દર્શાવ્યો હતો. અન્ય એક આઈ-કાર્ડમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તથા મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સાથે ઈ-મેલ આઈડી સાથેના કાર્ડમાં તેનું નામ અને હોદો દર્શાવ્યો હતો. જાેકે આ બંને આઈ-કાર્ડ બનાવટી હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત તપાસ દરમિયાન તેના ઘરેથી બે ઓથોરિટી લેટર મળી આવ્યા હતા. જેમાં પ્રથમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમર્જન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટનો હતો. જેમાં તેની કિયા કાર નંબર જી.જે.-૩૭-એમ-૨૮૧૬નો ઉપયોગ તે ઉપરોક્ત લેટરના આધારે કટોકટીના સમયમાં કરી શકે તે મતલબનું લખાણ હતું. આ પત્રમાં અશોક સ્તંભવાળો સિક્કો પણ લગાવવામાં આવ્યું હતું. એમાં નીચે તેણે પોતે સહી કરી હતી. આ રીતના આરોપી જીલ તેની કિયા કાર ખોટી નેમ પ્લેટ અને ઉપર લાલ લાઈટ લગાવી, આ લેટરનો ઉપયોગ કરતો હતો. અન્ય એક ફરિયાદમાં આરોપી શખ્સની તપાસમાં અંગ્રેજીમાં લખેલો “સર્ટીફીકેટ ઓફ પ્રોટોકોલ” નો લેટર મળી આવ્યો હતો. જે ઓફિસ ટુ એડિશનલ ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ એન્ડ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર – રાજકોટનો હતો. જેનો ઉપયોગ તે તેની કિયા કારના સરકારી ઉપયોગ માટે કરતો હતો આ લેટર પણ તેણે બોગસ બનાવ્યો હતો. આ સાથે નોંધાયેલી અન્ય એક ફરિયાદમાં જણાવાયું છે કે ગત તારીખ ૨૨ માર્ચના રોજ આરોપી જીલ પંચમતીયા રાજકોટ ખાતે રહેતા કેતનભાઈ રમેશચંદ્ર દેસાઈના ઘરે ગયો હતો. ત્યાં તેની કારમાં “કમિશનર (રેવન્યુ સર્વિસ)” લખેલી ગાંધીનગરના સરકારી નંબરની પાસિંગની કારમાં તે આવ્યો હતો. અહીં આવીને તેણે નંબર પ્લેટ બદલાવીને જી.જે. ૩૭ એમ. ૨૮૧૬ લગાવી દીધી હતી. ત્યાર બાદ અગાઉની બે નંબર પ્લેટ કારમાં મૂકી ને તે કેબ બુક કરાવીને ખંભાળિયા નીકળી ગયો હતો. પોલીસ તપાસમાં ઉપરોક્ત ગાડીમાં પોલીસના વાહનમાં વાગે તેવું સાયરન પણ કાર્યરત હતું અને આ કારમાંથી અન્ય રજીસ્ટ્રેશન નંબર વાળી બે નંબર પ્લેટ, નેમ પ્લેટ તેમજ આવા બોગસ દસ્તાવેજાે પોલીસને હાથ લાગ્યા છે. રિમાન્ડ દરમ્યાન પોલીસને તેના મકાનમાંથી મેગેઝીન સાથેની પિસ્તોલ અને સાત નંગ છરા મળી આવ્યા હતા. તેની કિંમત રૂ. ૨૦,૦૦૦ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આ સ્થળેથી અધિક પોલીસ મહાન નિર્દેશકની કચેરી સીઆઈડી (ક્રાઈમ અને રેલ્વે) ગાંધીનગરનો વર્ષ ૨૦૨૦ નો પત્ર પણ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે જીલ પંચમતીયા સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં તબક્કાવાર મળેલી માહિતી આપતા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે આરોપી જીલએ સ્માર્ટનેસ વાપરીને અલગ અલગ જગ્યાએ પોતાની એડિશનલ કલેક્ટર, હોસ્પિટલના ડીન, એડિશનલ કલેક્ટર – રાજકોટ વિગેરેની ઓળખ આપી અને તે મીટીંગ કરતો હતો. આટલું જ નહીં, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટા નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાતના નામે તે ફોટા પડાવી લેતો અને આ ફોટાની પ્રિન્ટ કરાવી તેનું કલેક્શન બનાવી, અને તેના ઘરે તેમજ ઓફિસે રાખી અને તેનો ઉપયોગ મીટીંગ તેમજ તેના થયેલા સન્માન માટે થયું હોવાનું જણાવવા માટે કરતો હતો. જીલ પંચમતીયા પાસે કોઈ ઉચ્ચ ડીગ્રી કે અભ્યાસ ન હોવા છતાં પણ તે ક્લાસ વન ઓફિસર તેમજ ડોક્ટર જેવો હોદો દર્શાવતો હતો. આરોપી શખ્સની આ ક્રાઈમ કુંડળી સંદર્ભે પોલીસે તેની સામે નકલી દસ્તાવેજના બે કેસ, નકલી આઈ-કાર્ડના બે કેસ, બે સરકારી અલગ અલગ હોદ્દા અને અલગ અલગ વાહનના બે કેસ, હથિયાર ધારાનો એક કેસ તેમજ છેતરપિંડીનો એક કેસ દાખલ કર્યો છે.
ફ્રોડ પ્રકરણના આરોપી સામે અલગ-અલગ કુલ ૮ ગુનામાં સાંભળેલા નકલી દસ્તાવેજાે