આરોપીએ માથુ ભટકાવી, મુકો મારી કાચ તોડ્યો : ફરજમાં રૂકાવટ કરી 3000નું નુકશાન કર્યું
માણાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બુધવારની રાત્રે મેડિકલ ઓફિસર જીગ્નેશ પ્રવીણભાઈ સામતા સ્ટાફ સાથે ફરજ પર હતા તે વખતે ફોટાવાળા ધર્મેશભાઈ જેઠવા રોજના ભાગરૂપે દાખલ વોર્ડમાં કેટલા દર્દી દાખલ છે તે ચેક કરવા ગયા હતા ત્યારે માણાવદર તાલુકાના ચિખલોદ્રા ગામનો અનિલ દેવશી પરમાર પલંગ ઉપર સૂતો હતો જેથી તેને દાખલ છો કે હમણાં આવેલ છો તેમ પૂછતા ઉશ્કેરાઈ જઈને ગાળો કાઢવા લાગ્યો હતો. આથી મેડિકલ ઓફિસર જીગ્નેશ સામતાએ સ્ટાફ તથા જીઆરડી સાથે જઈ શખ્સને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે ઝપાઝપી કરી હતી. આ અંગે જાણ કરતા પોલીસ સ્ટાફના સિદ્ધાંત નિમાવત તથા હોમગાર્ડ દીપક પરમારએ દોડી આવી પૂછપરછ કરતા શખ્સે ગેરવર્તન કરી સિદ્ધાંતભાઈને મારજુડ કરતા ઇજા કરી અનિલ દેવશીએ ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી એક્સ રે રૂમના દરવાજામાં માથું ભટકાવી અને બારીમાં મુકો મારી કાચ તોડી નાખી રૂપિયા 3000નું નુકસાન કર્યું હતું. ઘટના અંગે મેડિકલ ઓફિસરની ફરિયાદ લઈ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.