અનેક ગગનચૂંબી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાઈ થઈ ગઈ ઃ સેંકડો લોકોના મોતની અાશંકા
(અેજન્સી) બેંગ્કોક તા.ર૮
દક્ષિણ-પૂર્વ અેશિયાના દેશો મ્યાનમાર અને થાઈલેન્ડમાં અાજે બપોરે ૭.૭ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ અાવતા મહાવિનાશ સર્જાયો હોવાના દ્રષ્યો સામે અાવ્યા છે. અા લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપે ભારે તબાહી સર્જી દીધી છે. અનેક ગગનચૂંબી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાઈ થઈ ગઈ છે અને સેંકડો લોકો માર્યા ગયા હોવાની અાશંકા છે. મૃત્યુઅાંક હજારોની સંખ્યામાં થઈ શકે છે.
અા ભૂકંપ બાદ જે દ્રષ્યો સામે અાવી રહ્યા છે તે ખુબ જ ભયાવહ, ડરામણા છે. સુત્રોના જણાવ્યા મુજબ ભૂકંપના બે અાંચકા નોંધાયા હતા. જેમાં ભૂકંપનો પ્રથમ અાંચકો ૧૧.પ૦ કલાકે નોંધાયો હતો જેની તિવ્રતા ૭.ર માપવામાં અાવી હતી. જ્યારે બીજા અાંચકો ભારતીય સમય મુજબ ૧ર.૦ર કલાકે નોંધાયો હતો. જેની તિવ્રતા ૭.૩ માપવામાં અાવી હતી. જયારે જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયો સાયન્સ સંસ્થાના જણાવ્યા અનુસાર ભૂકંપની તિવ્રતા ૭.૭ માપવામાં અાવી છે. અણુબોંબ ફેંકાયો હોય અને જેવી તબાહી સર્જાય હોય તેવા દ્રષ્યો સર્જાયા છે. મ્યાનમારમાં અાવેલા ભૂકંપની તીવ્રતાનો અંદાજ અે વાત પરથી લગાવી શકાય છે કે છેક દિલ્હી અને અાસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના અાંચકા અનુભવાયા હતા. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. તે જ સમયે, પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભૂકંપના જોરદાર અાંચકા અનુભવાયા હતા.
ઉત્તરપૂર્વમાં મ્યાનમાર સાથે ભારતના રાજયો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરની સરહદ જાડાયેલી છે. ભારતના અા રાજયોમાં ભૂકંપની તિવ્રતા ૪.૪ માપવામાં અાવી હતી. ચીનના યુનાન પ્રાંતમાં પણ ભારે ભૂકંપ અાવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જાકે, ચીનમાં અાવેલા ભૂકંપ વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. થાઈલેન્ડના પાટનગર બેંગ્કોકમાં ભારે વિનાશ સર્જાયો છે. મ્યાનમારમાં પણ તબાહીની ભયાનક તસ્વીરો સામે અાવી રહી છે.