દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં અગાઉ હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનના વધુ એક રાઉન્ડમાં ગઈકાલે સ્થાનિક પ્રશાસન દ્વારા ખાસ ટીમ મારફતે દબાણ હટાવ ઝુંબેશ હાથ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ઓખા વિસ્તારમાં કેટલાક આસામીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સંદર્ભે તંત્ર દ્વારા નોટિસ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ શુક્રવારે ઓખા વિસ્તારમાં દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ જેટલા આસામીઓ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા રહેણાંક સહિતના બાંધકામો તંત્રએ ધ્વસ્ત કર્યા હતા. વધુ મળતી માહિતી મુજબ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ચાર સહિત અસામાજિક તત્વોની કુલ છ ગેરકાયદેસર મિલકતોને દૂર કરી, સરકારી જમીન ખુલ્લી કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.