સ્વામીનારાયણના અમુક સંતોના વિવાદિત શબ્દપ્રયોગ પ્રત્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

0

છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો વિશે નિમ્ન કક્ષાની વાતો કરતા અનેક વિવાદોએ જન્મ લીધો છે. સનાતન ધર્મ વિશે ઘસાતું બોલાતા ફક્ત દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો જ નહીં પરંતુ અનેક સામાજિક સંગઠનો તેમજ કલાકારો દ્વારા સ્વામિનારાયણ પંથકના કહેવાતા સાધુઓના અભદ્ર ટિપ્પણી મામલે ઘેરો રોષ ફેલાયો છે. ત્યારે ગઈકાલે શુક્રવારે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ કોન્ફરન્સમાં સનાતન ધર્મ તેમજ ખાસ કરીને ભગવાન દ્વારકાધીશ તેમ જ ગૂગળી બ્રાહ્મણો વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયો છે તે ભાષા ને લઇને તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી. અને તેના કહેવા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા સનાતન ધર્મ વિશે માનવાચક શબ્દનો પ્રયોગ કરતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ સારી ભાષાનો પ્રયોગ કરવામાં આવશે. અને હાલમાં જે કથિત સાધુઓ દ્વારા જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે વિશે દિલગીરી વ્યક્ત કરી હતી. સંપ્રદાયના વડીલોની બેઠક યોજાઈ હોવાનું તેમણે જણાવી, ભૂતકાળની ઘટનાઓ પર કાર્યવાહીનો ર્નિણય લેવાયો હોવાનું તેમણે કહ્યું હતું. આટલું જ નહીં, ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી. સ્વામિનારાયણ સાધુઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ બદલ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ક્ષમાયાચના માંગી હતી. તમામ ધર્મો અને સંપ્રદાયોને શાંતિ અને સન્માન જાળવવા અપીલ કરી, તેમણે વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.

error: Content is protected !!