દ્વારકા જતા ઉદ્યોગપતિપુત્ર અનંત અંબાણીનો દેખાયો માનવતાવાદી ચહેરો: કતલખાને જતા મરઘાઓને બચાવી લેવાયા

0
મરઘાઓના માલિકને મરઘાની કિંમત પણ ચૂકવાઇ 
રિલાયન્સ – જામનગરથી દ્વારકા તરફ પદયાત્રાએ નીકળેલા અનંત અંબાણીનો ગઈકાલે આમ જનતાએ માનવતાવાદી ચહેરો પણ નિહાળ્યો છે. પદયાત્રા દરમિયાન માર્ગમાં કતલખાને લઈ જવાતા મરઘાઓ ભરેલા એક વાહનને તેમણે અટકાવી અને તમામ મરઘાઓ બચાવી લેવા તેમજ તેના માલિકને તેની રકમ ચૂકવવા પણ તેમણે આદેશ કર્યો હતો.
        સોશિયલ મીડિયામાં ખૂબ જ વ્યાપક અને આવકારદાયક રીતે વાયરલ થયેલા આ વીડિયોમાં પદયાત્રા કરી, ભગવાન દ્વારકાધીશને માથું ટેકવવા માટે નીકળેલા પ્રથમ હરોળના ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી ગઈકાલે મંગળવારે ખંભાળિયાથી દ્વારકા માર્ગ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને મરઘાઓ ભરેલું એક વાહન જોવા મળ્યું હતું.
        વિશાળ કાફલા સાથે અને ભજનધૂનની રમઝટ બોલાવતા નીકળેલા અનંત અંબાણીને આ વાહન ધ્યાને પડતા તેમણે સાથી પદયાત્રીઓને આ વાહન થોભાવવા માટે જણાવ્યું હતું અને તુરંત જ તેઓ મરઘા ભરેલા આ વાહન પાસે ગયા હતા. તેમાંથી એક મરઘાને હાથમાં લઈ અને તેમણે હેતપૂર્વક રમાડ્યું હતું.
       આ પછી અનંત અંબાણીએ સાથે કર્મચારીને કતલખાને જઈ રહેલા આ વાહનમાં રહેલા તમામ મરઘાઓ લઈને તેમનું પાલનપોષણ કરવા સૂચના આપી હતી. આટલું જ નહીં, મરઘાઓના માલિકને તેની પૂરતી રકમ ચૂકવવા પણ આદેશ કર્યો હતો. કતલખાને જતા અટકાવીને પક્ષીઓને બચાવવા માટેની આ સમગ્ર ઘટના પક્ષીપ્રેમીઓ તેમજ આમ જનતામાં ખૂબ જ આવકારદાયક બની રહી છે.
       અનંત અંબાણીએ ગઈકાલે માર્ગમાં ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે આવેલી સુવિખ્યાત વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમને શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
error: Content is protected !!