ખંભાળિયામાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની સૂચના અને પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાં અંતર્ગત પોલીસ દળમાં જાેડાવવા ઈચ્છતી દીકરીઓ કે જેમણે ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી લીધી છે, તેમને લેખિત પરીક્ષાની તૈયારી માટે આ સેમિનાર યોજાયો હતો. જેમાં તજજ્ઞો દ્વારા વિષય અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રેશ ભાંભી દ્વારા તમામને આવકારી અને મિશન ખાખીનાં હેતુ વિશે જણાવતા કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા છેવાડાનો જિલ્લો હોવા છતાં જિલ્લા કલેકટરની લાગણી છે કે જિલ્લાની વધુમાં વધુ દીકરીઓ પોલીસ દળમાં પસંદગી પામે અને સમાજની અને દેશની સેવામાં જાેડાય. તેના માટે તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા બંધારણની વિવિધ જાેગવાઈઓ અને કાયદાઓ તથા તેમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેના પર વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર જે.જે. ચૌહાણ દ્વારા પરીક્ષામાં સફળતા મેળવવા માટે મહત્વાકાંક્ષી બનવા અને સમય જાેયા વિના મહેનત કરવા પર ભાર મૂક્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી ભાવિશાબેન કડછા દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને પરીક્ષા પાસ કરી આર્ત્મનિભર બનવા અને દેશની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આલાભાઈ એન. મોવર દ્વારા પરીક્ષાના સિલેબસને ધ્યાનમાં લઈને ક્યા કયા પુસ્તકોનો અભ્યાસ કરવો તે અંગે વિગતે માહિતી પૂરી પાડી હતી. આ સેમિનારમાં પોલીસ વિભાગ દ્વારા આયોજિત ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરેલી બહેનો, મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. સાથે સાથે આ સેમિનારનાં ઉપસ્થિત તમામ પરીક્ષાર્થીઓને “બેટી બચાઓ બેટી પઢાઓ” નો સંદેશ આપતા કપ તેમજ તજજ્ઞોને ઘડિયાળ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.