રૂપિયા અઢી લાખનો મુદ્દામાલ કબજે
ઓખા મંડળમાંથી સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં જુદા જુદા બે સ્થળોએથી નશાકારક અને શારીરિક રીતે નુકસાનકર્તા આલ્કોહોલ મિશ્રિત પીણાના પાઉચ, બોટલો સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી. દ્વારકા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગતમાં મીઠાપુર નજીકના ભીમરાણા ગામે રહેતા કપિલ હરજીભાઈ ઠાકોર અને આ જ ગામના નીરજ વિનોદભાઈ જટણીયા નામના બે શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે તેમજ કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ચોક્કસ પ્રકારના પેકિંગમાં નશાયુક્ત પીણાના પાઉચ બનાવીને વેચાણ કરવામાં આવતું હતું. લોકોની તંદુરસ્તીને હાનિકારક એવા આ પીણાના ગેરકાયદેસર રીતે વેચાણ કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે દ્વારકા વિભાગના ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ પી.આઈ. ટી.સી. પટેલ અને પી.એસ.આઈ. ડી.એન. વાંઝાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત બંને શખ્સોને પોલીસે દબોચી લીધા હતા પકડાયેલા આ શખ્સ પાસેથી ૩૧ લીટર નશાયુક્ત પીણું, ૫ લિટર દેશી દારૂ, સાત કિલોગ્રામ જવ, જુદા જુદા મશીન, ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની ઈક્કો મોટરકાર અને બે નંગ મોબાઈલ ફોન વિગેરે મળી, કુલ રૂપિયા ૨,૧૭,૯૧૦ મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછતાછમાં આરોપીઓ દ્વારા પોતાના દ્વારા ઉત્પાદિત નશાકારક પીણામાં બીયર જેવો સ્વાદ લાવવા માટે જવને પાણીમાં પલાળી રાખી અને તે જવના પાણીમાં વિવિધ એસેન્સ તથા ખાંડની ચાસણી ઉમેરવામાં આવતી હતી. તૈયાર થયેલા આ નશાકારક પીણામાં દેશી દારૂ ઉમેરીને પ્લાસ્ટિકની બોટલ હોય તો પકડાઈ જવાના ડરના કારણે તેને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી અને આ કોથળી એલ્યુમિનિયમ પાઉચમાં મૂકીને તે સીલ કરી દેવામાં આવતું હતું જેથી તેની સુગંધ બહાર જાય નહીં અને પકડાવવાનો ડર રહે નહીં. આ પ્રકરણમાં ભીમરાણાનો કેતન ઉર્ફે જલારામ વિનોદભાઈ જટણીયા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. વધુમાં ઉપરોક્ત કેતન જટણીયા અગાઉ જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ મથક અને આણંદ જિલ્લાના વિરસદ પોલીસ મથકમાં નશાકારક પીણું બનાવીને વેચવાના ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ જાહેર થયું છે. આ ગુનામાં આરોપી કપિલ ઠાકોર અને નીરજ જટણીયાની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે કેતન જટણીયાને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. ઓખા મરીન પોલીસ મથકમાં સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા ફરિયાદી બનીને જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભીમરાણાનો કેતન ઉર્ફે જલારામ વિનોદભાઈ જટણીયા નામના શખ્સ દ્વારા લાયસન્સ ન હોવા છતાં પણ સ્વાસ્થ્યને નુકસાનકારક પીણું બનાવવામાં આવતું હતું. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૩૬,૬૦૦ ની કિંમતની નશાયુક્ત પીણાંની ૬૧૦ બોટલ કબજે લઈ અને કેતન જટણીયાની અટકાયત કરી લીધી હતી. ત્યારે નોન આલ્કોહોલયુક્ત દર્શાવીને શરીરને નુકસાનકર્તા નશાયુક્ત પીણું વેચવા સબબના આ પ્રકરણમાં કપિલ ઠાકોર અને નીરજ જટણીયાને ફરાર ગણવામાં આવ્યા હતા.