ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના હસ્તે રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ કરતા પ્રકૃતિ પ્રેમીઓને સન્માનિત કરાયા : ક્લાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના ઉપક્રમે ગાંધીનગર ખાતે ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રયાસો કરતા પ્રકૃતિ પ્રેમીઓને ક્લાઈમેટ ચેન્જ પુરસ્કાર ૨૦૨૪- ૨૫થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટને સુધારવા ગુજરાત અનેક પ્રયાસો તેમજ વિવિધ પહેલ દ્વારા સક્રિય રીતે યોગદાન આપી રહ્યું છે, જેમાંથી એક ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ નાગરીકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. સરકાર ક્લાઇમેટ ચેન્જની દિશામાં કાર્ય કરી રહી છે પણ નાગરીકોએ પણ આ દિશામાં સહભાગી થઇને પર્યાવરણને બચાવવા આગળ આવવું જાેઈએ તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, આજે ક્લાઈમેટ ચેન્જના કારણે ગુજરાતમાં અસામાન્ય વરસાદ, હવામાનમાં અનિયમિતતા, એ ખેતી, શહેરી અને ગ્રામીણ જીવનને અસર કરી રહી છે, એની સામે ગુજરાતે આજે ક્લાઈમેટ ચેન્જનાં ક્ષેત્રે તૈયારી બતાવી છે. વર્ષ -૨૦૩૦માં રીન્યુએબલ એનર્જીથી ૫૦ % વીજ ઉત્પાદન ગુજરાત કરશે, ગુજરાતે વર્ષ- ૨૦૨૪માં ૪.૫ ગીગાવોટથી વધુ રીન્યુએબલ ઊર્જા સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે, આજે ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું ત્રીજું સોલાર પાર્ક આવેલું છે, જે ૬૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. વધુમાં મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ‘એક પેડ માં કે નામ’ની ઝુંબેશ ચલાવી હતી, જેમાં આપણા ગુજરાતમાં ૧૭ કરોડ જેટલા વૃક્ષો વાવીને સમગ્ર દેશમાં બીજાે ક્રમ હાંસલ કર્યો હતો. આજે સરકાર ક્લાઈમેટ ચેન્જ તરફ લોક ભાગીદારીથી ઘણું સારૂ કામ કરી રહી છે, આજે ગુજરાતમાં સોમનાથથી દ્વારકા સુધી વડ, પીપળ જેવા વૃક્ષોની જાળવણી માટે સામાજિક સંસ્થાઓ સાથે મળીને ખુબ સારું કામ થઇ રહ્યું છે. આજે પુરસ્કાર પ્રાપ્ત કરનારા પ્રકૃતિ પ્રેમીઓને જેને પુરસ્કાર મળ્યો છે એ પર્યાવરણ પ્રેમીઓ બીજાને પર્યાવરણની જાણવણી માટે પ્રેરિત કરે જેથી આવનારા સમયમાં પુરસ્કાર પ્રાપ્ત કરનારા પર્યાવરણ પ્રેમીઓની સંખ્યા વધુ હોય તેવો અનુરોધ કરતાં મંત્રીએ સૌ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે ક્લાઈમેટ ચેન્જ વિભાગના રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ આપણા ગુજરાત માટે ગર્વની વાત છે. આ એવોર્ડ સમગ્ર દેશમા પર્યાવરણની રક્ષા તેમજ જન જાગૃતિ માટે પ્રેરણારૂપ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જનાં અભ્યાસ માટેની યુનિવર્સિટી શરૂ કરવામાં આવી રહી છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ક્લાઈમેટ ચેન્જ, સોલીડ વેસ્ટ અને ટકાઉ વિકાસ જેવા વિષયો પર અભ્યાસ કરી શકશે. મંત્રીએ તમામ પુરસ્કૃત વિજેતાઓને અભિનંદન આપતા જણાવ્યું કે આપ સૌ વિજેતાઓ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ છો આપ સૌ જે પ્રકારેની કામગીરી કરી રહ્યા છો એને વધુમાં વધુ લોકો સુધી પહોચાડો જેથી આવનારા સમયમાં ગુજરાત અન્ય રાજ્યો માટે કલાઇમેટ ચેન્જની બાબતમાં ઉદાહરણરૂપ બને. પર્યાવરણના સંરક્ષણ અને આબોહવા પરિવર્તન શૈક્ષણિક, ઔદ્યોગિક, સંસ્થાકીય, વ્યક્તિગત, ઇનોવેશન અને ઇનોવેટીવ પ્રોજેકટ, કલાઇમેટ ચેન્જ ઇમ્પેકટ સ્ટડી, જનજાગૃતિ, સ્ટાર્ટઅપ એકમો અને મહિલા સાહસિકો મળીને કુલ ૯ કેટેગરીમાં ૨૦ પર્યાવરણ પ્રેમીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સ્થાને રૂા.૧ લાખ, દ્વિતીય સ્થાને રૂા.૭૫,૦૦૦, અને તૃતિય સ્થાને રૂા.૫૦,૦૦૦નું ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ ડો. રાહુલ ગુપ્તા, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના નિયામક અજય પ્રકાશ, પર્યાવરણવિદો અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.