ધોરાજીના ધાર્મિકને જન્મજાત હૃદયની બીમારીની નિ:શુલ્ક સારવાર થતા પરિવારે હોસ્પિટલના ડોક્ટરો તથા સરકારનો આભાર માન્યો

0

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના અનેક બાળકો માટે વરદાન રૂપ સાબિત થઈ : જન્મજાત હૃદયની બીમારીથી મુકત કરતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ : લાખોની સારવાર થઈ નિ:શુલ્ક

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના અનેક બાળકો માટે વરદાન રૂપ સાબિત થઈ છે. રાજય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ જે હાલ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ તરીકે અમલી છે તેના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોનું સ્ક્રીનીંગ કરી કોઈ પણ બીમારી જણાય તો લાખો રૂપિયાની સારવાર નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીથી વધુ ને વધુ બાળકોને લાભ થાય અને બાળકો તંદુરસ્ત રહે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શનમાં વખતો વખત મીટીંગો યોજી આયોજન અને મુલ્યાંકન કરી ટીમને માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે જિલ્લાના વધુ એક બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જીવલેણ ખામીથી મુકત કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામના ધાર્મિક લોડારીયાને જન્મથી જ હૃદયની કંઈક ખામી હતી. તા.૧૩/૦૯/૨૦૦૯ ના રોજ મજુરી કામ કરતા સુરેશભાઇ લોડારિયાના નાના એવા ગરીબ પરીવારમાં ધાર્મિકનો જન્મ થયો હતો. તા. ૦૮.૦૮.૨૪ના રોજ ધોરાજીની આર.બી.એસ.કે ટીમના ડો.ગૌતમ મકવાણા અને ડો.હિરલ ઠુંમરે મોટીમારડ ખાતે તાલુકા પ્રાથમિક શાળાની વિઝીટ કરતા ધાર્મિકના સ્વાસ્થ્યનું સ્ક્રિનિંગ કર્યું તો તેને હૃદયની કોઈ ખામી હોવાનું જણાયું હતું. આથી ડી.ઇ.આઇ.સી. સિવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે તેની સઘન ચકાસણી કરાવવા જણાવ્યું હતું. રાજકોટ ખાતે તેને હ્રદયની ખામી હોવાનું સચોટ નિદાન થતાં વધુ સારવાર માટે ધાર્મિકને યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદ ખાતે લઈ જવા પરિવારને જણાવ્યું ત્યારે આ સાંભળી ધાર્મિકના માતા-પિતા અત્યંત દુ:ખી થઇ ગયા હતા સાથે જ આર્થિક ચિંતા પણ સતાવવા લાગી હતી… આ સમયે આર.બી.એસ.કે. ટીમ અને સિવીલ હોસ્પિટલના ડોકટરોની ટીમે પરિવારને ધરપત આપી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે જણાવ્યું હતું. સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે આ સાંભળી ધાર્મિકના માતા-પિતાને હાશકારો થયો હતો અને સારવાર લેવા સંમત થયા હતા. ધાર્મિકને તા. ૦૯.૦૨.૨૫ ના રોજ યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ સંદર્ભ કાર્ડ ભરી રીફર કરવામાં આવ્યો હતો. જયાં તા. ૧૧.૦૨.૨૫ના રોજ નિષ્ણાત ડોકટરોની ટીમે સર્જરી કરી ધાર્મિકની હૃદયની ખામી દૂર કરી હતી. તા. ૦૭.૦૩.૨૫ના ધાર્મિકની ફોલો અપ તપાસ કરતાં ધાર્મિક સંપૂર્ણ સ્વસ્થ જાણવા મળ્યો હતો. ધાર્મિકના પિતા સુરેશભાઇ લોડારિયા અને તેના પરિવારે આર.બી.એસ.કે. ટીમ, સીવીલ હોસ્પિટલના ડોકટરો અને યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો તથા સરકારનો આભાર માન્યો હતો.

error: Content is protected !!