
દ્વારકા ના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશજી મંદિરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિવિધ અવતારોના અવતરણની તિથિઓમાં આ અવતારની ઝાંખી કરાવતા શૃંગાર પૂજારીઓ દ્વારા કરાવવામાં આવે છે. જેમાં શ્રી વામન જન્મ, શ્રી નૃસિંહ જન્મ , શ્રી મત્સ્ય અવતાર, શ્રી કૂર્મ અવતાર આદિ મુખ્ય છે. આ ઉપરાંત શ્રી રાધા અષ્ટમીના રાધા અવતાર અને શિવરાત્રીના હરિહર સ્વરૂપના અલૌકિક શૃંગાર પણ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે આવતીકાલે રવિવાર તારીખ 6 ના રોજ ઉજવાનાર શ્રી રામ નવમી ઉત્સવ નિમિત્તે ભક્તોને શ્રી દ્વારકાધીશજીના દર્શન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સ્વરૂપમાં કરવા મળશે. દ્વારકાના લોક ચાહના મેળવેલા કલા સાધક અને દ્વારકાધીશના મૂક સેવક એવા કપિલભાઈ મહેશ્વરી વાળાએ જાતે કાષ્ટમાંથી કલાત્મક રીતે તૈયાર કરેલા શ્રી રામનું પ્રિય કોદન્ડ ધનુષ બાણ તુણીર તથા બાણનું ભાથું ભગવાન દ્વારકાધીશને શ્રી રામ અવતાર શૃંગારમાં ધરવામાં આવશે. તેમ વારાદાર પૂજારી દિપકભાઈ પ્રવિણભાઈની યાદીમાં જણાવાયું છે.