દ્વારકાના રાજમાર્ગો પર ઠાઠ-માઠ સાથે નિકળશે વરઘોડો

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નૌમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન શ્રી દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી શ્રી રુક્ષ્મણીજીના વિવાહ મહોત્સવ આગામી તા. 7 તથા 8 એપ્રિલ દરમ્યાન વિધિ-વિધાનપૂર્વક ભકિતમય વાતાવરણમાં ઉજવવામાં આવનાર છે.
– ભગવાનના લગ્નોત્સવનો લ્હાવો લેવાં દ્વારકાવાસીઓને પૂજારી દ્વારા આમંત્રણ –
યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રુક્ષ્મણીજી સંગ દ્વારકાધીશના લગ્નની ઉજવણી દર વર્ષે પારંપરિક રીતે ધામધૂમપૂર્વક થાય છે. પૌરાણિક કથા મુજબ ચૈત્ર સુદ અગિયારસના શુભદિને ભગવાન શ્રીકૃષ્ણે શ્રી રુક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા હતાં. ત્યારથી આ શુભ દિને દ્વારકાના રૂક્ષ્મણી મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તેમજ માતા રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ ઉજવવાના આવે છે.
માતજીના વારાદાર પૂજારી અરૂણભાઈ દવેની યાદીમાં જણાવાયા મુજબ આગામી તા. 7 તથા 8 એપ્રિલ સુધી દ્વારકાના રાજા એવા ભગવાનશ્રી દ્વારકાધીશનો ભવ્યાતિભવ્ય વિવાહ ઉત્સવ ઉજવવાનું જણાવી ગામલોકોને ભગવાન-માતાજીના લગ્નોત્સવમાં સહભાગી થવા તથા પ્રભુ પ્રસાદી લેવા રૂકમિણી મંદિરના પૂજારી અરૂણભાઈ દવે અને કંદર્પભાઈ દવે દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
– ધાર્મિક રીતરસમ સાથે મંગળવારે રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં યોજાશે લગ્નોત્સવ –
કાર્યક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર સાંજીના ગીત યોજાયા બાદ ચૈત્ર સુદ દસમ ને સોમવાર તા. 7 ના રોજ રૂકમિણી માતાજીના મંદિરે સવારે 9 વાગ્યાથી 12 સુધી અગીયારી તથા ગ્રહશાંતિ તેમજ સવારે 11 થી 12 વાગ્યા સુધી માતાજીના છપ્પનભોગ મનોરથ દર્શન યોજાશે. ત્યાર બાદ સાંજે 7 થી 9 સુધી શ્રી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂકમિણી માતાજીનો વરઘોડો નીકળશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ફરીને ભદ્રકાલી ચોક પાસે સમાપન થશે. આ ઉપરાંત મંગળવાર તા.8 ના રોજ સવારે 7 થી 9 વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમદિરે તથા રૂકિમણીજી મંદિરે નૂતન ધ્વજારોહણ યોજાશે. સાંજે 7 થી 9:30 સુધી રૂકમિણી વિવાહ વિધિવિધાન અનુસાર રૂકમિણી મંદિરના પટાંગણમાં થશે. રાત્રે 8.30 થી 10 વાગ્યા સુધી મહાપ્રસાદ (જાનનું જમણવાર) ગુગ્ગુળી બ્રાહમણ બ્રહ્મપુરી નં.1 ખાતે રાખવામાં આવ્યું છે.
સમગ્ર રૂક્ષ્મણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના ચિરાગભાઈ પટેલ પરિવાર રહેશે.