મિરરવર્ક, બ્યૂટી પાર્લર સહિતની તાલીમ થકી મહિલાઓ માટે ખૂલશે સ્વરોજગારીના દ્વાર : ઉના,ગીરગઢડા અને કોડિનારના ૫૦ તાલીમ કેન્દ્રો પરથી અપાશે તાલીમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્ત્મનિભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા તેમજ જિલ્લાના ખાણ પ્રભાવિત વિસ્તારની મહિલાઓને સ્થાનિક સ્તરે યોગ્ય તાલીમ અને રોજગારી પ્રાપ્ત થાય એવા શુભ હેતુસર ઉના જલારામવાડી ખાતેથી કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રના વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉદઘાટન અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આર્ત્મનિભર ભારતના મંત્રને સાકાર કરવામાં ગીર સોમનાથ જિલ્લો પણ ખભે-ખભો મિલાવી પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યો છે. યોગ્ય તાલીમ થકી મહિલાઓ રોજગાર મેળવી આર્ત્મનિભર બની પરિવારને મદદરૂપ બને એવી અપીલ તેમણે કરી હતી. જ્યારે કલેક્ટરએ જણાવ્યું હતું કે, આપણા જિલ્લામાંથી ભરપૂર પ્રમાણમાં ખનીજ મળે છે અને એ ખનીજની રોયલ્ટીમાંથી ઘણા જ ઉત્તમ કામો થઈ શકે છે. જેમાંનું એક કામ આ કૌશલ્યવર્ધન તાલીમના વર્ગો શરૂ કરવાનું છે. કુલ ૨૩ ગામોમાં ૫૦ તાલીમ કેન્દ્ર પરથી ૨૫૦૦ જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર, સ્ટોકિંગ ફ્રેમ, મિરર વર્ક તથા સ્ટોકિંગ બ્રોચ જેવી તાલીમો આપવામાં આવશે. તમામ તાલીમાર્થીઓને ૧૫ દિવસની યોગ્ય તાલીમની સાથે જ વ્યવસાય શરૂ કરવા માટે સબસીડી સાથેની લોન મળે એવા પણ પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. જેથી વિવિધ તાલીમ થકી મહિલાઓ આર્ત્મનિભર બની ‘આર્ત્મનિભર ભારત‘ના સૂત્રને સાકાર કરવા માટે યથાશક્તિ યોગદાન આપે એવો અનુરોધ પણ કલેક્ટરએ વ્યક્ત કર્યો હતો. મહિલા અને બાળ વિકાસ અધિકારી એમ.જી.વારસૂરે ઉપસ્થિત સર્વેને તાલીમાર્થીઓને અપાતી વિવિધ તાલીમ અને રોજગારીની અપાર તકો વિશે અવગત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ વિવિધ કામોનું આયોજન થઈ શકે એ માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનીજ ચોરીના દંડ પેટે વસૂલવામાં આવેલી રકમમાંથી જિલ્લાના કુલ ૧૧૧ ગામોમાં અલગ અલગ ૧૫ પ્રકારના વિવિધ વિભાગમાં કામગીરી કરવામાં આવે છે. મહિલાઓને સ્થાનિક રોજગારી મળી રહે તે માટે કૌશલ્યવર્ધન તાલીમના વર્ગો માટે કુલ રૂા.૧.૫૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.